ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: વેનેઝુએલાના રાજકારણમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુરુવારે વોશિંગ્ટનમાં એક ઐતિહાસિક અને અણધારી ઘટના બની હતી. વેનેઝુએલાના અગ્રણી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાદોએ વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ ખાનગી મુલાકાત દરમિયાન એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં મચાદોએ પોતાનો ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુપરત કર્યો હતો. મચાદોએ આ ઘટનાને વેનેઝુએલાના નાગરિકો માટે એક ‘ઐતિહાસિક દિવસ’ ગણાવ્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે મારિયા મચાદોના આ પગલાંની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર લખ્યું હતું કે, મારિયા એક બહાદુર મહિલા છે, જેમણે ઘણું સહન કર્યું છે. મેં જે કાર્યો કર્યા છે તેના સન્માનમાં તેમણે મને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર સોંપ્યો છે. પરસ્પર સન્માન દર્શાવતી આ એક શાનદાર ચેષ્ટા છે. આભાર મારિયા!
બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી. જોકે, આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે વેનેઝુએલામાં ભારે રાજકીય ઉથલ-પાથલ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમેરિકન સૈનિકોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની કારાકાસમાં અટકાયત કરી હતી. વર્તમાનમાં વેનેઝુએલાનું શાસન કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્ઝ સંભાળી રહ્યા છે, જેઓ માદુરો સરકારમાં ઉપ-રાષ્ટ્રપતિ હતા. સૌથી રસપ્રદ બાબત એ છે કે નોબેલ પુરસ્કાર સ્વીકારવા છતાં, ટ્રમ્પે અત્યાર સુધી મારિયા મચાદોને વેનેઝુએલાના નવા નેતા તરીકે જાહેર કરવા કે સમર્થન આપવાનો ઈન્કાર કર્યો છે. તેના બદલે, તેઓ વર્તમાન કાર્યવાહક ડેલસી રોડ્રિગ્ઝ સાથે વાતચીતને વધુ પ્રાથમિકતા આપી રહ્યા હોવાનું જણાય છે.
મારિયા કોરિના મચાદો અને તેમના આંદોલને 2024ની વેનેઝુએલાની ચૂંટણીઓમાં જીતનો દાવો કર્યો હતો. જોકે, તે ચૂંટણી વ્યાપકપણે વિવાદિત રહી હતી અને માદુરોએ સત્તા છોડવાનો ઈન્કાર કર્યો હતો. હવે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની આ મુલાકાતને મચાદો દ્વારા આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્રિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

