Site icon Revoi.in

વેનેઝુએલાનો ખૂંખાર ગેંગસ્ટર અમેરિકાની એરસ્ટ્રાઈકમાં ઠાર મરાયો

Social Share

ન્યૂયોર્ક, 13 જૂન 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સવારે એક અત્યંત ચોંકાવનારી અને મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, અમેરિકી સેનાએ વેનેઝુએલાની ખતરનાક ગુનાહિત ગેંગ ‘ટ્રેન ડી અરાગુઆ’ ના કુખ્યાત લીડર હેક્ટર રસ્ટેનફોર્ડ ગ્યુરેરો ફ્લોરેસ ઉર્ફે ‘નીન્જો ગ્યુરેરો’ને એક સૈન્ય ઓપરેશનમાં ઠાર માર્યો છે. વેનેઝુએલા સરકાર સાથે મળીને કરાયેલા આ ગુપ્ત અને સંયુક્ત ઓપરેશનમાં અમેરિકાએ ઘાતક સૈન્ય શક્તિનો ઉપયોગ કર્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ ઓપરેશનની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે, “મારા આદેશ પર, યુનાઇટેડ સ્ટેટ્સ સધર્ન કમાન્ડે એક અત્યંત ઝડપી અને ઘાતક સૈન્ય હુમલો કરીને ‘નીન્જો ગ્યુરેરો’ નો સફળતાપૂર્વક ખાતમો બોલાવ્યો છે. તે પૃથ્વી પરના સૌથી ક્રૂર આતંકવાદી સંગઠનોમાંના એક ‘ટ્રેન ડી અરાગુઆ’ નો કુખ્યાત લીડર હતો.” ટ્રમ્પે ઉમેર્યું કે આ ઓપરેશન દ્વારા તેમણે તેમની ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલી એ પ્રતિજ્ઞા પૂરી કરી છે, જેમાં તેમણે અમેરિકાની દક્ષિણી સરહદ (Southern Border) માંથી ઘૂસેલા હિંસક ગુનેગારોને હાંકી કાઢવાનું વચન આપ્યું હતું.

અમેરિકી નાગરિકોની હત્યાનો લીધો બદલો

પોતાની પોસ્ટમાં ટ્રમ્પે આ ગેંગ દ્વારા માર્યા ગયેલા નિર્દોષ અમેરિકનોને યાદ કર્યા હતા. તેમણે 12 વર્ષની જોસલિન નુનગારે અને 22 વર્ષની લેકન રેલી સહિત અન્ય નાગરિકોના નામ લેતા કહ્યું કે, “આ હુમલા દ્વારા અમેરિકી સેનાએ પીડિત પરિવારો અને તેમના પ્રિયજનો માટે ન્યાય અને બદલો મેળવ્યો છે.”

આ સાથે જ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનની ઇમિગ્રેશન નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે બાઇડને સરહદો ખુલ્લી મૂકીને લાખો અસામાજિક તત્વો અને વિદેશી ગુનેગારોની સેનાને અમેરિકામાં ઘૂસણખોરી કરવાની છૂટ આપી હતી.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ મિશન વેનેઝુએલાના સત્તાવાળાઓ સાથે ગાઢ સમન્વય કરીને પાર પાડવામાં આવ્યું છે. આ હુમલા બાદ હવે ‘ટ્રેન ડી અરાગુઆ’ ના આતંકવાદીઓ માટે વેનેઝુએલા કે દુનિયાના કોઈ ખૂણે સંતાવાની જગ્યા બચી નથી.  વેનેઝુએલાથી શરૂ થયેલી આ ગેંગે સમગ્ર લેટિન અમેરિકા અને યુએસમાં ડ્રગ ટ્રાફિકિંગ, હ્યુમન સ્મગલિંગ (માનવ તસ્કરી), ખંડણી અને અપહરણ જેવા સંગઠિત ગુનાઓનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જેને ટ્રમ્પ વહીવટીતંત્રે ‘વિદેશી આતંકવાદી સંગઠન’ (FTO) જાહેર કર્યું છે.

Exit mobile version