Site icon Revoi.in

VIDEO: નવા વર્ષથી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે

Congress will start 'Maha Jan Sampark Abhiyan'
Social Share
અમદાવાદ, 31 ડિસેમ્બર, 2025 – Congress will start ‘Maha Jan Sampark Abhiyan’ આગામી ૨૦૨૬ના વર્ષ માટે સંગઠનાત્મક આયોજન અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ‘મહા જનસંપર્ક અભિયાન’ શરૂ કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના ખૂણેખૂણે જઈને લોકોની વેદના સાંભળવામાં આવી રહી છે. જે અંતર્ગત કિસાન આક્રોશ યાત્રા દ્વારા સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા સુધી ૧૧ જિલ્લાઓમાં ૧૧૦૦ કિમીનો પ્રવાસ ખેડી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવી છે. ત્યારબાદ જનાક્રોશ યાત્રાના પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૧૩૦૦ કિમીના પ્રવાસ દરમિયાન લોકોના પ્રત્યક્ષ પ્રશ્નો જાણ્યા હતા. હાલમાં ૨૦ ડિસેમ્બરથી ફાગવેલથી શરૂ થયેલી મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રાનું બીજા ચરણ ચાલી રહ્યું છે, જે ૧૪૦૦ કિમીનો પ્રવાસ કરી ૬ જાન્યુઆરીએ દાહોદમાં સંપન્ન થશે.

શું છે વિપક્ષનો ઉદ્દેશ?

આ યાત્રાઓની ભવ્ય સફળતા અને જનતાના મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને ઉઘાડી લૂંટ સામે લડવા માટે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન’ અને ‘ગો ટુ ધ પીપલ’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ ૧૦૯૦ જિલ્લા પંચાયત બેઠકો અને તેમાં સમાવિષ્ટ ૫૨૦૦ તાલુકા પંચાયત બેઠકો પર કોંગ્રેસ સીધો ‘જનસંવાદ’ સ્થાપિત કરશે. આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ સ્તરે સિસ્ટમની ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરી આંદોલનાત્મક લડાઈ લડવામાં આવશે.

શું કહ્યું અમિત ચાવડાએજુઓ વીડિયો

શહેરી સ્તરે કોંગ્રેસે ‘કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત રાજ્યના ૧૭ મહાનગરોમાં કોંગ્રેસનો કાર્યકર દરેક ઘર સુધી પહોંચશે. રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસ એસી ઓફિસમાં બેસીને નહીં પરંતુ શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર પ્રજાના પ્રત્યક્ષ સૂચનો મેળવી ‘જનતાનો મેનિફેસ્ટો’ તૈયાર કરશે. આ ઉપરાંત, શહેરોમાં જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે વોર્ડ વાઈઝ ‘જનાક્રોશ પદયાત્રા’ યોજી પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવનારાઓને ખુલ્લા પાડવામાં આવશે. કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન મુઠ્ઠીભર લોકોના હિત માટે નહીં, પરંતુ ગુજરાતના બહોળા જનસમૂહના હક અને અધિકાર માટે છે.

આ પણ વાંચોઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષા યોજાશેઃ નોંધણી પ્રક્રિયા વિશે જાણો

Exit mobile version