Site icon Revoi.in

VIDEO: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સહભાગી થવા રવાના થયા

Social Share

અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસ ખાતે રવાના થતા પહેલા જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત@2047ના વિઝનને દુનિયાના મહત્વના ઇકોનોમિક પ્લેટફોર્મ પરથી વિશ્વ સુધી પહોંચાડવા માટે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા જઈ રહ્યું છે. વર્ષોથી દુનિયાભરની કંપનીઓ માટે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ અને પ્રિફર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝને કારણે આજે ગુજરાત સેમીકન્ડક્ટર, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ રાજ્યના યુવાનો માટે નવી તકોનું સર્જન કરવાનો અને ગુજરાતની આ મજબૂત લેગેસીને વૈશ્વિક સ્તરે વધુ આગળ વધારવાનો છે.”

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’(WEF)ના મહત્વના વૈશ્વિક મંચ પર રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિ મંડળનું અમદાવાદ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી ચાર દિવસમાં વિવિધ મહત્વની બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર મેમ્બર્સ સાથે 58 જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન’ બેઠકો યોજશે. ટીમ ગુજરાત આ બેઠકોમાં સહભાગી થઈને આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવશે.

19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરવામાં આવશે તથા આ બેઠકમાં ગુજરાતની સહભાગીતા રાજ્યના આર્થિક ઉત્થાન માટે નવી ક્ષિતિજો ખોલશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિ મંડળની અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિદાય વેળાએ જિલ્લા કલેકટર સુજીત કુમાર, ઇન્ડેક્સ-બીના એમડી કેયુર સંપત, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version