અમદાવાદઃ સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના પતંગબાજોએ વિવિધાકૃતિના, રંગબેરંગી, નવીન આકારોવાળા નાના-મોટા રંગબેરંગી પતંગોથી આકાશમાં ઈન્દ્રધનુષ સર્જ્યું હતુ. આ પતંગબાજોમાં એક દંપતિ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન પતંગ અને દોરીની જેમ સજોડે 11 વર્ષોથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે.
આ યુગલના પ્રેમસંબંધની શરૂઆત જ ગુજરાતના કાઈટ ફેસ્ટિવલમાં થઈ હતી. ભારતીય વિનીતાબેન અને બેલ્જીયમના યોહાન વેનની પ્રથમ મુલાકાત અમદાવાદમાં વર્ષ 2010માં આયોજિત પતંગોત્સવમાં થઈ અને 7 વર્ષ પહેલા તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. મૂળ અમદાવાદના ૫૨ વર્ષીય વિનીતાબેન 12 વર્ષથી કાઈટ વર્કશોપ કરી રહ્યા છે. જેની શરૂઆત પતંગોત્સવથી કરી હતી. તેઓ પતંગની થીમ પર બાળકોના પેઈન્ટિંગ વર્કશોપ કરે છે. કાઈટ પેઈન્ટીંગને વધુ લોકો સુધી પહોચાડવાના તેમના નાનકડા સપનાને મોટી ઉડાન ત્યારે મળી જ્યારે 2020માં નર્મદા જિલ્લાના કેવડીયા(એકતાનગર) ખાતે તેમને આ વર્કશોપ કરવાની તક મળી. આ સિવાય તેઓ વિવિધ દેશોમાં જઈ ઓરિગામી અને કેલિગ્રાફીનાં વર્કશોપ પણ કરાવે છે.
40 વર્ષોથી પતંગોત્સવ સાથે સંકળાયેલા બેલ્જીયમના 56 વર્ષીય યોહાન વેન 2010થી દર વર્ષે ગુજરાતમાં યોજાતા કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે. ભારત સિવાય અન્ય 8થી વધુ દેશોમાં પતંગબાજીનો કરતબ દેખાડી ચૂકેલા યોહાનને અહીંથી જીવનસાથી મળી હોવાથી ગુજરાત તેમના માટે ખાસ છે. વ્યવસાયથી એન્જિનિયર યોહાનનો પતંગ પ્રેમ તેમના ૫ મીટરના વિશાળ, જાતે ડિઝાઈન કરી બનાવેલા પતંગને જોતા છતો થાય છે. બેલ્જીયમના રાષ્ટ્રધ્વજના ત્રણેય કલરનો ઉપયોગ કરી બનાવેલા પતંગને તૈયાર કરતા તેમને આશરે એક મહિનાથી વધુનો સમય લાગ્યો હતો.

