ઇસ્લામાબાદ, 1 ઓગસ્ટ 2026: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અને જનઆંદોલનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને મોટો દાવો સામે આવ્યો છે. ‘જમ્મુ-કાશ્મીર જોઈન્ટ પીપલ્સ એક્શન કમિટી’ (JAAC) ના સભ્ય સરદાર ઉમર નઝીર કશ્મીરીએ સોશિયલ મીડિયા પર વીડિયો જારી કરીને ગંભીર આરોપ લગાવ્યો છે કે, તાજેતરના દિવસોમાં સુરક્ષાદળોની અત્યાચારી કાર્યવાહીમાં 50 કરતા વધુ નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ સાથે જ JAAC ના નેતાએ સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ પુષ્ટિ કરી છે અને આ કાર્યવાહીને ‘બર્બર આતંકવાદ’ ગણાવ્યો છે. આ તમામ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં પૂર્વ સીનેટર મુશ્તાક ખાન સહિત મોટી સંખ્યામાં પાકિસ્તાની અને કશ્મીરી નાગરિકોએ સક્રિય હાજરી આપી હતી.
-
શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર સીધા ગોળીબારનો આરોપ
ઇસ્લામાબાદમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન અંગે આભાર વ્યક્ત કરતા સરદાર ઉમર નઝીર કશ્મીરીએ જણાવ્યું હતું કે તેઓ હાલ રાવલકોટના ડી-ચોક પર પોતાના નિર્ધારિત ધરણા સ્થળ પર અડગ બેઠા છે અને તેમનું આ આંદોલન અવિરત ચાલુ છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં મોટા પાયે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાયા છે અને તેમના અનેક સાથીદારો ઘાયલ થયા છે. ઉમર નઝીરના જણાવ્યા મુજબ, પ્રદેશમાં એકદમ શાંતિપૂર્ણ રીતે પોતાના હકો માટે પ્રદર્શન કરી રહેલા સામાન્ય નાગરિકો પર સુરક્ષાદળો દ્વારા સીધી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેને કારણે આટલી મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે. ઇસ્લામાબાદમાં થયેલા પ્રદર્શન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 31 જુલાઈએ પૂર્વ સીનેટર મુશ્તાક સાહેબે ઇસ્લામાબાદના જી-10 મરકઝ ખાતે એક વિશાળ જનસભા અને રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ભારે સંખ્યામાં પાકિસ્તાની અને સ્થાનિક કશ્મીરી ભાઈઓ જોડાઈને પીઓકેના લોકો સાથે મજબૂત એકતાના દર્શન કરાવ્યા હતા.
ઉમર નઝીરે સીનેટર મુશ્તાક ખાન તેમજ આ ભવ્ય પ્રદર્શનનું સફળ આયોજન કરનાર તમામ પક્ષો અને આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે પાકિસ્તાન અને કાશ્મીરના એ તમામ નાગરિકોની પ્રશંસા કરી જેમણે ઇસ્લામાબાદમાં એકત્ર થઈને આ અવાજ બુલંદ કર્યો છે. આ પ્રદર્શનને એક ‘ઐતિહાસિક પગલું’ ગણાવતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ભવિષ્યમાં પણ આવી જ રીતે જનતા તેમની સાથે ખભે-ખભો મિલાવીને ઊભી રહેશે અને તેમની હક-અધિકારની લડાઈને વધુ મજબૂતી પૂરી પાડશે.

