Site icon Revoi.in

કાર્ગિસ્તાનમાં હિંસાઃ 3 પાકિસ્તાની વિદ્યાર્થીના મોતથી ભારત સરકાર બની એલર્ટ, ભારતીય નાગરિકોને બહાર ન નીકળવાની અપીલ

Social Share

નવી દિલ્હીઃ કાર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં પણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોતને પગલે ભારત સરકાર પણ સાબદી બની છે, ભારત સરકાર દ્વારા હાલ બિશ્કેકની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ અહીં અભ્યાસ કરતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવાની સાથે એમ્બેસીના સતત સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસામાં પાકિસ્તાનના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. 13 મેના રોજ કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઇજિપ્તના મેડિકલ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી મામલો બિચક્યો હતો અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશી વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાની વિદ્યાર્થીઓએ કિર્ગિસ્તાન હિંસાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા હતા અને મદદ માટે અપીલ કરી હતી.

કિર્ગિસ્તાનમાં હિંસાને લઈને ભારત પણ સતર્ક બન્યું છે. શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યું હતું કે,  બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ પરિસ્થિતિ શાંત છે. વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

કિર્ગિસ્તાનના ભારતીય દૂતાવાસે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે, “અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ શાંત છે, પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ હાલ પૂરતું ઘરની અંદર જ રહે અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં દૂતાવાસનો સંપર્ક કરે.

Exit mobile version