Site icon Revoi.in

વિશ્વ સિંહ દિવસ : સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 30 હજાર ચો. કિ.મી.માં 674થી વધારે વનરાજોનો વસવાટ

Social Share

અમદાવાદઃ એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, ગુજરાત રાજ્યની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જુન 2020ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને 674 થયેલ છે. વસ્તીમાં વધારો થતા તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયેલ છે. સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના 30 હજાર ચો. કી.મી. માં વિહરતા જોવા મળે છે જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીખે ઓળખવામાં આવે છે.

દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુંથી કરવામાં આવે છે. 2013 માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટ (ALERT ના સ્થાપકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત વન વિભાગ દ્વારા 2016 થી કરવામાં આવેલ.

આ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો, એન.જી.ઓના સભ્યો, સ્થાનિક લોકો, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લે છે. 2016 થી 2019 સુધી આ ઉજવણી ફીઝીકલ રીતે કરવામાં આવતી હતી. પરંતુ 2020 અને 2021 માં કોવીડ-19 મહામારીના લીધે ફીઝીકલ રીતે આ ઉજવણી કરવી શક્ય ન હોય તેથી જુદા જુદા ડીજીટલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરવામાં આવેલ હતી.

આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ફીઝીકલ અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે કરવામાં આવશે. આ વર્ષે ફીઝીકલ ઉજવણીમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લા જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવ-ભુમી દ્વારકા, અને મોરબીની 8500 થી વધુ શાળા અને કોલેજો ભાગ લેશે. આ ઉજવણીમાં એશિયાઇ સિંહના સંરક્ષણના હેતું સાથે જનપ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એન.જી.ઓ, નાગરિકો અને સરકારી અધિકારીઓ સહિત વિવિધ લોકો શાળામાં એકત્રીત થશે તેમજ રેલીઓ, ભાષણો અને પ્રતિજ્ઞા લેવા જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.