Site icon Revoi.in

ઈરાન વિરુદ્ધનું યુદ્ધ હજુ થોડા અઠવાડિયા ચાલી શકે છેઃ ઈઝરાયેલ

War against Iran

War against Iran

Social Share

[અલકેશ પટેલ] અમદાવાદ, 18 માર્ચ, 2026 – War against Iran ઈઝરાયેલે જૂન 2025માં ઈરાન ઉપર મિસાઈલ હુમલો કર્યો હતો અને ત્યારે એમ માની લેવામાં આવ્યું હતું કે, ઈરાન તરફથી પરમાણુ જોખમ સહિત સૈન્ય ક્ષમતા નષ્ટ પામી ગઈ, પરંતુ ત્યારપછી પણ ઈઝરાયેલ પરનું જોખમ ઓછું થયું નથી એવું અમને લાગ્યું જેને પગલે 28 ફેબ્રુઆરીએ અમેરિકાની સાથે મળી ઈરાન વિરૂદ્ધ નિર્ણાયક યુદ્ધ શરૂ કરવામાં આવ્યું, તેમ ભારત ખાતેના ઈઝરાયેલી રાજદૂત યુબેન અઝહરે રિવોઈ સમાચાર પોર્ટલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આજે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભારતીય સેના વિરુદ્ધ પાકિસ્તાનનું ડિજિટલ યુદ્ધ: સેનાધ્યક્ષના ડીપફેક વીડિયો બનાવી ફેલાવાઈ રહ્યું છે ભ્રમ

ઈરાન વિરુદ્ધ છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભે ઈઝરાયેલનો પક્ષ રજૂ કરવા માટે આજે યોજાયેલી ઑનલાઈન પત્રકાર પરિષદને સંબોધતા રાજદૂત યુબેને જણાવ્યું કે, ઈરાન તરફથી ઈઝરાયેલના અસ્તિત્વનું જોખમ છે અને તે જોખમની સંભાવના સંપૂર્ણ નાબૂદ અથવા સાવ નજીવી ન થઈ જાય ત્યાં સુધી યુદ્ધ હજુ થોડા અઠવાડિયા ચાલી શકે છે.

હોર્મુઝ ખાડીની કટોકટી અંગેના પ્રશ્નના જવાબમાં રાજદૂતે કહ્યું કે, એ ખાડી દુનિયાના બધા દેશ માટે ફરીથી ઉપલબ્ધ થાય એ માટે અમેરિકા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ઈરાનની વર્તમાન શાસન વ્યવસ્થા અમારા અર્થાત ઈઝરાયેલના અસ્તિત્વ માટે જોખમી અને તેથી તેને ઉખાડી ફેંકવું એ લક્ષ્ય છે અને એ માટે વિવિધ સ્તરે પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ એક પ્રશ્નના જવાબમાં રાજદૂતે કહ્યું હતું. ઈઝરાયેલે પુનરોચ્ચાર કર્યો કે, અમે દુનિયાને ભાવિ જોખમથી બચાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.

રિવોઈ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જૂન 2025માં હુમલા દ્વારા અમે ઈરાની મિસાઈલ અને પરમાણુ ક્ષમતા નષ્ટ કરી દેવા માગતા હતા. તે સમયે ઘણે અંશે અમે ઈરાનના આવા ઈરાદાને નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ ત્યારબાદ અમને ઈન્ટેલિન્સ માહિતી મળી કે ઈરાન ફરીથી તૈયારી કરી રહ્યું છે અને એ તૈયારી ઈઝરાયેલના અસ્તિત્વને જોખમમાં મૂકી શકે તેમ છે તેથી આ વખતે અમે નિર્ણાયક કાર્યવાહી કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ અમદાવાદની ઐતિહાસિક વિરાસત માતાની પછેડીને GI ટેગ એનાયત

તેમણે ઉમેર્યું કે, 18 દિવસના આ યુદ્ધમાં ઈઝરાયેલના 19 નાગરિકો મૃત્યુ પામ્યા છે અને બીજા સેંકડો ઘાયલ થયા છે. અમારા નાગરિકોએ હજુ પણ ભૂમિગત રહેવું પડે છે.

યુદ્ધના વિરોધમાં અમેરિકી સરકારના ટોચના અધિકારીએ રાજીનામું આપ્યું એ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, જે અધિકારી (જોસેફ કેન્ટ) કોઈ ખાસ મહત્ત્વના અધિકારી નહોતા, એટલું જ નહીં પરંતુ એમણે રાજીનામું ન આપ્યું હોત તો પણ તેમની વિદાય નિશ્ચિત હતી કેમ કે તેઓ તુલસી ગબાર્ડની ટીમમાં કામ કરી રહ્યા હતા અને તુલસી ગબાર્ડ પોતે જોસેફ કેન્ટથી નારાજ હતા.

ઈઝરાયેલે જણાવ્યું કે, દરેક સંઘર્ષ આદર્શ સમાધાન સાથે પૂર્ણ થતા નથી એ સાચું પરંતુ અમે ઈરાનમાં એવું શાસન સ્થપાય જે ઈઝરાયેલના અસ્તિત્વ માટે જોખમી ન હોય.

Exit mobile version