નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અંદાજે રૂ. 23,731 કરોડના જંગી કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ એટલે કે ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના ભારતની સ્વચ્છ ઊર્જા (ક્લીન એનર્જી) યાત્રામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, જે દેશમાં ઉપલબ્ધ પુષ્કળ કૃષિ અવશેષો, ગાયનું છાણ, પ્રેસ મડ, મ્યુનિસિપલ જૈવિક કચરો અને અન્ય બાયોમાસને ગ્રીન ફ્યુઅલ, ઓર્ગેનિક ખાતર અને ગ્રામીણ આવકના મુખ્ય સ્ત્રોતમાં પરિવર્તિત કરશે. આ મહત્ત્વાકાંક્ષી યોજના નાણાકીય વર્ષ 2026-27થી લઈને 2035-36 સુધી અમલમાં રહેશે અને તે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) ને ભારતના ભવિષ્યના એનર્જી મિક્સના એક મજબૂત આધારસ્તંભ તરીકે સ્થાપિત કરશે. સરકારે આ યોજનાને વેગ આપવા માટે છ મુખ્ય ઘટકો નક્કી કર્યા છે, જે CBG ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
- ખાતરીપૂર્વકની ખરીદી
ત્પાદકોને બજારની અનિશ્ચિતતાથી બચાવવા માટે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્ક દ્વારા CNG અને PNG સેક્ટરમાં CBG મિશ્રણનું લક્ષાંક નક્કી કરાયું છે. નાણાકીય વર્ષ 2026-27માં 3%, 2027-28માં 4% અને 2028-29થી આગળ 5% ફરજિયાત મિશ્રણ (બ્લેન્ડિંગ ઓબ્લિગેશન) રાખવામાં આવ્યું છે, જેનાથી રોકાણકારોને લાંબા ગાળાની સુરક્ષા મળશે.
- સ્થિર ભાવનું માળખું
સરકાર સમર્થિત પ્રાઈસિંગ ફ્રેમવર્ક અંતર્ગત પ્રતિ MMBTU રૂ. 2,110નો સ્થિર વહીવટી ભાવ નક્કી કરાયો છે. ઓછામાં ઓછા દસ વર્ષ સુધી આ ભાવ જળવાઈ રહેવાથી ઉત્પાદકોને આકર્ષક વળતર અને આવકની નિશ્ચિતતા મળશે.
-
આકર્ષક મૂડી સહાય
ગ્રીનફિલ્ડ CBG પ્રોજેક્ટ્સને સ્થાપિત ક્ષમતા દીઠ પ્રતિ ટન પ્રતિ દિન (TPD) રૂ. 2 કરોડ સુધીની સબસીડી કે મૂડી સહાય આપવામાં આવશે. આ સહાય માત્ર પ્લાન્ટ મશીનરી જ નહીં, પણ ફીડસ્ટોક એકત્રીકરણ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પ્રોસેસિંગ યુનિટ્સ સુધી વિસ્તરેલી છે.
- પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ
પ્લાન્ટ્સને ટ્રંક પાઇપલાઇન્સ અને CGD નેટવર્ક સાથે જોડવા માટે ક્લસ્ટર આધારિત તથા સ્ટેન્ડઅલોન પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે, જેથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે અને ગેસનો વ્યાપ વધશે.
- ક્રેડિટ ગેરંટી સપોર્ટ
MSME આધારિત CBG પ્રોજેક્ટ્સ માટે ખાસ ક્રેડિટ ગેરંટી વ્યવસ્થા ઊભી કરાશે, જેનાથી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સરળતાથી લોન પૂરી પાડી શકશે અને નાના સાહસિકો તથા મહિલા ઉદ્યોગસાહસિકો આગળ આવી શકશે.
- CBG ઇકોસિસ્ટમ ચેલેન્જ ફંડ
જિલ્લા સ્તરે આ યોજનાના અમલીકરણને વેગ આપવા, રિસોર્સ મેપિંગ કરવા, ટેકનોલોજી અપગ્રેડેશન અને ક્ષમતા નિર્માણ માટે એક સમર્પિત ફંડની રચના કરવામાં આવી છે.
- દેશ અને ખેડૂતો માટે કેમ ખાસ છે આ યોજના?
સરકારના આ વિઝન પાછળ સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે ભારતનો કચરો હવે દેશના વિકાસને ગતિ આપશે. ગામડાઓ ક્લીન એનર્જી હબ બનશે અને દેશના અન્નદાતા ખેડૂતો ઊર્જા સુરક્ષામાં સીધા ભાગીદાર બનશે. આ યોજના લાગુ થવાથી ઘરેલું CBG ઉત્પાદનમાં આશરે **દસ ગણો વધારો** થશે, વિદેશી અશ્મિભૂત ઇંધણ (ફોસિલ ફ્યુઅલ) પરની નિર્ભરતા ઘટશે અને પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટની નવી લહેર શરૂ થશે. સાથે જ, ખેડૂતો અને ગ્રામીણ સહકારી મંડળીઓ માટે આવકના નવા દ્વાર ખુલશે તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ થવાથી પર્યાવરણની રક્ષા પણ થશે.

