સુરતઃ મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વના પાંચ વર્ષના સુશાસન પ્રસંગે સરકાર રાજ્યભરમાં ઊજવણી કરી રહી છે. ત્યારે આજે ઊજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલ અને વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને રોજગાર મેળામાં મુખ્યમંત્રીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા અને અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ 62 હજાર યુવકો અભિનંદન આપતા જણાવ્યું હતું કે આજે અમારું લક્ષ્યાંક 50 હજાર યુવકોને નોકરી મળે તેવું હતું પરંતુ 60 હજાર યુવકોને નોકરી મળી છે. અમે ખાલી લુખ્ખા વચન આપતા નથી. દેશમાંથી સૌથી વધુ એપરેન્ટિસ્ટ ગુજરાતે આપ્યા છે. આજે આખું વિશ્વ કોરોનામાં થભી ગયું હતુ. જેને લીધે લાખો લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે ગુજરાતમાં નવું આશાનું કિરણ જાગ્યું છે. આજે 50000 ના બદલે 62 હજાર લોકોને નોકરી મળી રહી છે. ગુજરાત તકની ધરતી છે, ભાજપ જે કહે છે તે કરે છે. અમે લોકસભાની ચૂંટણીમાં આપેલા વચન એક પછી એક પુરા કરી રહયા છીએ. જેમ કે કાશ્મીરમાં 370 ની કલમ હટાવી, 19000 કરોડ ની ખરીદી કરી ખેડૂતોને સહાય કરી છે. તેમણે ઉમેર્યુ હતું કે, લોકોએ ચૂંટણીમાં કોંગ્રેસને બેકાર કરી દીધી છે. અમે 2085 રોજગાર મેળા કર્યા છે જેમાં આજે 11000 ના પ્લેસમેન્ટ આપી રહ્યા છીએ. ગુજરાતમાં 25 લાખ મજૂર વસે છે. અમારો એજન્ડા ગુજરાતમાં વધુમાં વધુ રોજગાર લાવવાનો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યમાંથી રોજગાર માટે લોકો ગુજરાત આવે છે. ગુજરાતે અન્ય પ્રાંતના લોકોને રોજગાર આપ્યો છે. સરકારની અનેક યોજનાઓને કારણે રોજગારીની તકો વધી છે. સુરતમાં ડાયમંડ બુર્સને કારણે અનેક લોકોને રોજગારી મળશે. રાજ્યમાં સૌથી વધુ લોકો સુરતમાં રોજગાર માટે આવે છે. દારૂબંધીને કારણે રાજ્યમાં શાંતિ અને તેના કારણે ઔદ્યોગિક વિકાસ થયો છે. રોજગાર ક્ષેત્રે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાતમાં કામદારોના અધિકારોનું રક્ષણ થયા છે.