Site icon Revoi.in

અમે બે-અમારા બેથી પણ બચી રહ્યા છે ભારતીયો, 2050 સુધીમાં ભારતમાં ઘટવા લાગશે વસ્તી!

Social Share

નવી દિલ્હી: ધાર્મિક વસ્તી અસંતુલન વચ્ચે હિંદુઓને વધુ બાળકો પેદા કરવાના હોકારા પડકારા થાય છે. પણ એક અહેવાલમાં હવે અમે બે-અમારા બેથી પણ લોકો બચી રહ્યા છે. આવુંને આવું ચાલતું રહેશે તો ભારતમાં 2050 સુધીમાં વસ્તી ઘટવા લાગશે

2047માં ભારતને વિકસિત બનાવવાનો રોડ મેપ તો તૈયાર કરાય રહ્યો છે, પણ આ વિકાસના ફળ ચાખવા માટે 2050 સુધીમાં ભારત પર વસ્તી ઘટવાનું જે જોખમ તોળાય રહ્યું છે, તેનો તોડ કાઢવાની કોઈ સોશયલ-કલ્ચરલ ફોર્મ્યુલાની પણ જરૂર છે.

ભારતમાં હવે અમે બે-અમારા બેનું પ્રચલન પણ ઝડપથી ઘટી રહ્યું છે. ભારતમાં એવા મોટી સંખ્યામાં યુગલો છે કે જેઓ એક જ બાળક ચાહે છે. આને કારણે ભારતમાં જન્મદર 2050 સુધીમાં ઘટી જશે. લેન્સેટના રિપોર્ટમાં આને લઈને ચેતવણી આપી છે. ભારતમાં કુલ જન્મદર 1950માં 6.18 હતો, જે 1980માં ઘટીને 4.6 પર આવી ગયો હતો. 2021માં ઝડપથી ઘટીને તે 1.91 પર અટક્યો છે. આ રિપ્લેસમેન્ટ લેવલથી પણ ઓછો જન્મદર છે. જનસંખ્યા વૈજ્ઞાનિકોનું માનવું છે કે રિપ્લેસમેન્ટ લેવલ માટે જન્મદર ઓછામાં ઓછો 2.1 ટકા હોવો જોઈએ. તેવામાં આ મોટા સંકટની આહટ પણ છે. અનુમાન છે કે 2050 સુધીમાં ભારતમાં જન્મદર 1.29 થઈ જશે. તેનાથી વસ્તી એકદમથી ઓછી નહીં થાય, પણ તેમા યુવાઓનું પ્રમાણ ઓછું થતું જશે. પછી 2100 સધીમાં આ સંકટ વધુ ઘેરું બનશે.

જો લેંસેટનો આ રિપોર્ટ સાચો સાબિત થાય છે, તો પછી આગામી દશકાઓમાં ભારતની સામે મોટો પડકાર હશે. જન્મદરમાં ઝડપથી ઘટાડો થશે, તો વર્કફોર્સમાં પણ ઘટાડાની સ્થિતિ હશે અને ઈકોનોમીને તેનાથી આંચકો લાગશે. આ સિવાય યુવાઓથી વધારે વસ્તી વૃદ્ધોની થઈ જશે. તેમની દેખરેખ કરવી પણ એક પડકાર હશે. આટલું જ નહીં આરોગ્ય સેવાઓ પર પણ મોટો બોજો પડશે. એટલું જ નહીં લૈંગિક અસમાનતાનું સંકટ પણ પેદા થશે. તેના કારણે એક નવો ટ્રેન્ડ પણ છે. પહેલું સંતાન પુત્ર થાય છે, તો લોકો બાદમાં બીજું સંતાન પેદા કરી રહ્યા નથી.

જાણકારોનું માનવું છે કે ઓછા બાળકો પેદા કરવાનું એક કારણ એ પણ છે કે દેશના વિકાસની સાથે લોકોની આકાંક્ષાઓ પણ વધી છે. બાળકો પર લોકો વધારે ખર્ચ કરી રહ્યા છે. તેવામાં વધુ બાળકો થવા પર ખર્ચ વધુ થશે. તેનાથી બચવા માટે લોકો ઓછા બાળકોને જ મહત્વ આપી રહ્યા છે. તેના સિવાય મહિલાઓના મોટા પ્રમાણમાં શિક્ષિત થવા અને તેમના કારકિર્દી પર ફોકસ કરવાથી પણ બાળકો પેદા થવાની સંભાવનાઓ પર અસર પડી છે. વિલંબથી લગ્ન પણ આનું એક કારણ છે. ઝડપતી શહેરીકરણ અને ગર્ભનિરોધક સુધી લોકોની સરળ પહોંચે પણ ચીજોને બદલી નાખી છે.

નિષ્ણાતોનું માનવું છે કે ભલે ભારતની સામે આ પડકાર આવવામાં કેટલાક દશકાઓ બચ્યા છે, પરંતુ અત્યારથી પ્લાનિંગ કરવું પડશે. સરકારોને માતૃત્વને ઓછું ખર્ચીલું બનાવવાની કોશિશ કરવી જોઈએ. તેનાથી પણ લોકો કેટલીક હદ સુધી ઓછામાં ઓછા બે બાળકો માટે પ્રેરીત થશે.

મહત્વપૂર્ણ છે કે ઈટાલી, જાપાન, રશિયા જેવા ઘણાં દેશો છે, જેઓ પહેલા જ આવા પ્રકારના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ દેશોમાં વસ્તી સતત ઘટી રહી છે અને સરકારો તેને લઈને ચિંતિત છે. તેમાથી જ એક દેશ દક્ષિણ કોરિયા પણ છે. ગત દિવસોમાં દક્ષિણ કોરિયાના એક નેતાએ કહ્યુ છે કે જો આ સ્થિતિ રહી, તો પછી અમારા અસ્તિત્વ પર જ સંકટ હશે.