Site icon Revoi.in

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયાં

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા.  જ્યાં હેલિકોપ્ટરમાં સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. ઉપર ચઢવા માટે તેની બહાર સીડીઓ લગાવવામાં આવી હતી, મમતા આ સીડી પર ચડીને હેલિકોપ્ટરમાં ચઢવા જઈ રહી હતી, પરંતુ તે સમયે તેનો પગ હેલિકોપ્ટરના ગેટ પર લપસી ગયો અને તે તેની અંદર પડી ગયા હતા. સીએમના સુરક્ષાકર્મીઓએ તેમને તરત જ ઉપાડી લીધા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. જેથી તેમણે આગળનો પ્રવાસ મુલત્વી રાખ્યો હતો.

આ પહેલીવાર નથી જ્યારે મમતા બેનર્જી ઘાયલ થયા હોય. ગયા મહિને 14 માર્ચે બંગાળના સીએમ તેમના ઘરે પડી ગયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. મમતાના કપાળ પર ઈજા થઈ હતી, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. ટીએમસી દ્વારા મમતાની તસવીરો પણ શેર કરવામાં આવી હતી, જેમાં તેમના માથામાંથી લોહી વહેતું જોઈ શકાય છે. મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમના પરિવારના સભ્યો તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમની સારવાર કરી હતી.