Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓના પક્ષાંતર મુદ્દે જગદિશ ઠાકોર શું કહે છે ? જાણો

Social Share

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકશાનની માહિતી મેળવવા અને અસરગ્રસ્તોની હાલચાલ પૂછવા માટે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે ડીસા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન મિડિયા સાથે વાતચિત કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે જેમની સામે સરકારમાં કોઈ ગુના નોંધાયેલા હોય અથવા રાજકીય બાર્ગેનિંગ માટે અથલા તો આર્થિક લાભ માટે જાય છે.

બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠામાં સર્જાયેલી તારાજીમાં ભોગ બનેલા લોકોની ખબર-અંતર પૂછવા માટે આવેલા  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, રાજ્યસભાના પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય અને જિલ્લા પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત અગ્રણીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત જે પણ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હોય એ લોકો અંગે જગદિશ ઠાકોરે  મોટું નિવેદન આપ્યું હતું.

પૂર્વપ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડી જવાના કારણો મારા કરતાં મીડિયા સારી રીતે જાણે છે. કોંગ્રેસ છોડી ગયા પછી એક મહિના બાદ શું પરિણામ આવે છે તે પણ જોયુ છે. બેથી ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને જાય છે. એક એવા લોકો જેનું આર્થિક પાસુ હોય, બીજું જેની સામે સરકારમાં ગુનાઓ દાખલ થયા હોય અને ત્રીજા લોકો એવા કે જેમણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડતું હોય છે. જેના ખોળે આખી જિલ્લાની કોંગ્રેસ રહી હોય તેવા લોકો પણ કોંગ્રેસ પાર્ટીને દગો અને વિશ્વાસઘાત કરી જાય છે. જોકે જનારા લોકોની ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મહેચ્છા પૂરી થતી નથી. માત્ર ચૂંટણી પૂરતો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પત્યા પછી જે જે લોકો ગયા છે તેમની શું દશા થાય છે તે પણ જોયું છે. ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે ગુજરાત કે દેશને સાચવી શકે. એટલે જ બીજા પક્ષોને ધાક ધમકી આપી અને લાલચો આપી પોતે મજબૂત થવાનો દાવો કરે છે. જે દિવસે ભાજપમાં દાવાનળ ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ પણ શોધ્યો નહીં મળે તેવી વિગતો ભાજપમાંથી બહાર આવી રહી છે.