Site icon Revoi.in

12માં ધોરણની પરીક્ષા ક્યારે લેવાશે, જાણો મુખ્યપ્રધાને શું કહ્યું

Social Share

ગાંધીનગર: ધોરણ 10માં માસ પ્રમોશન અપાયા બાદ ધોરણ 12ની પરીક્ષા ક્યારે લેવી તે અંગે સરકારના નિર્ણયની આતુરતાથી રાહ જોવાતી હતી, ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં જ ધોરણ દસમાં પરીક્ષા લેવાનું મુલત્વી રાખી તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની જાહેરાત કરી હતી. જોકે, આજે મુખ્યપ્રધાને બારમા ધોરણની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી માસ પ્રમોશનની અટકળોને હાલ પૂરતી સમાપ્ત કરી દીધી હતી.

રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે અગાઉ ધોરણ 10 અને 12ની પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓએ ધો.10માં માસ પ્રમોશન આપવાની માગણી કરતા સરકારે ધો. 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આમ ગુજરાતમાં ધોરણ 1થી 11 સુધીના તમામ વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ કોરોનાના કેસ ધીરે-ધીરે ઘટી રહ્યા છે, પરંતુ હજુય ડેઈલી કેસ તેમજ એક્ટિવ કેસનો આંકડો ઘણો ઉંચો છે. વળી, બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે સ્કૂલો ખોલીને થોડા જ દિવસોમાં તેને બંધ કરી દેવાની ફરજ પડી હતી.

હાલ ચાલી રહેલી બીજી વેવ જુન-જુલાઈ બાદ નબળી પડશે તેવું એક્સપર્ટ્સ માની રહ્યા છે, ત્યારે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે તેને લઈને પણ મોટો સવાલ છે. એક તરફ દસમા ધોરણમાં માસ પ્રમોશનની જાહેરાત બાદ અગિયારમા ધોરણમાં એડમિશનની તૈયારીઓ શરુ થઈ ગઈ છે, ત્યારે બારમા ધોરણની પરીક્ષાઓ અંગે નિર્ણય ના લેવાય ત્યાં સુધી કોલેજોમાં એડમિશનની પ્રોસેસ શરુ નહીં થઈ શકે. સામાન્ય રીતે બારમા ધોરણની પરીક્ષા માર્ચના ત્રીજા વીક સુધીમાં પૂર્ણ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે સરકાર જો પરીક્ષા મોડી યોજે તો પણ તે ક્યારે યોજાશે, અને ક્યારે રિઝલ્ટ આવશે તે હાલ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેવામાં બારમા ધોરણ બાદ વિદેશ જનારા કે પછી આગળ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે હાલ અસમંજસભરી સ્થિતિનું નિર્માણ થયું છે.