Site icon Revoi.in

5જીના આગમન બાદ 4જી મોબાઈલ ફોન ચાલુ રહેશે કે કેમ, જાણો એક્સપર્ટનો મત

Social Share

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટ ફોન વપરાશકારોની સંખ્યામાં વધારો થયો છે. મોટાભાગના મોબાઈલ ફોન ધારકો 4જી નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 5જી સ્પેટ્રમની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં દેશમાં 5જી નેટવર્કની શરૂઆત પણ થઈ જશે. બીજી તરફ દેશના અનેક બજારોમાં છેલ્લા ઘણા સમયથી 5જી ફોન ઉપલબ્ધ થયાં છે. તેમ છતા હજુ મોટી સંખ્યામાં લોકો 4જી ફોનનો વપરાશ કરી રહ્યાં છે. ત્યારે લોકોના મનમાં સવાલ ઉભા થયાં છે કે, શું 5જીના આગમન બાદ 4જી ફોનનો ઉપયોગ કરી શકાશે કે નહીં. જો કે, જાણકારોના મતે 5જીના આગમન બાદ 4જી ટેકનોલોજીવાળા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. કેટલાક જાણકારોના મતે 5જીના આગમન બાદ 4જી નેટવર્કની સ્પીડ વધશે.

સાયબર કાયદાના જાણકાર ઉમેદ માઈલ્સે જણાવ્યું હતું કે, “5G આવ્યા પછી લોકોનો 4G ફોન નકામો નહીં રહે. 5G નું આગમન એ માત્ર કોમ્યુનિકેશન નેટવર્કનું અપગ્રેડ છે. પ્રારંભમાં તે ફક્ત 4G નેટવર્ક પર નિર્ભર રહેશે. તેથી 4જી વપરાશકારોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે 4G ફોન નકામો નહીં થાય, પરંતુ 4G ફોન પર 5G નેટવર્ક સ્પીડનો આનંદ માણી શકાશે નહીં. આ ફેરફાર 3G થી 4G થી ઘણો અલગ છે. આવી સ્થિતિમાં 4G નેટવર્ક આટલી જલ્દી ખતમ થવાનું નથી.

સાયબર મીડિયા રિસર્ચના ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્સ ગ્રૂપના વડા પ્રભુ રામએ કહ્યું હતું કે, “આ ફેરફાર દેશમાં 5Gના ભવિષ્ય વિશે છે અને ચોક્કસપણે 5G સપોર્ટવાળા ફોનના જીવનમાં પરિવર્તન લાવશે. 5G લોન્ચ થયા પછી પણ 4Gનું વર્ચસ્વ ચાલુ રહેશે. વાસ્તવમાં, 5G આવ્યા પછી, 4G નેટવર્કની સ્પીડ સારી રહેશે અને તેનું પ્રદર્શન પણ સુધરશે. 5G કવરેજને સર્વવ્યાપક બનાવવામાં લાંબો સમય લાગશે.

જાણીતા ટેક એક્સપર્ટ અભિષેક ભટનાગર જણાવ્યું હતું કે, ‘જેમ 4Gના 6 વર્ષ પછી પણ 3G સંપૂર્ણપણે ખતમ નથી થયું, તેવી જ રીતે 5G લોન્ચ થયા પછી પણ 4G સમાપ્ત થશે નહીં. જેથી ફોરજી ફોન નકામો થવાની શકયતાઓ ખુબ નહીવત છે. જો ફોનમાં 5G સપોર્ટ છે તો તે સારી વાત છે અને જો તે ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે 4Gનું ભવિષ્ય હજુ લાંબુ છે.