Site icon Revoi.in

ગુજરાતમાં અન્ય બોર્ડની શાળાઓ ગુજરાતી વિષય ભણાવવામાં ઉદાસિનતા કેમ દાખવે છે, હાઈકોર્ટ

Social Share

અમદાવાદઃ રાજ્યની તમામ શાળામાં ફરજિયાત ગુજરાતી ભણાવવાની દાદ માંગતી રિટ પિટિશનમાં  ગુજરાત હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવી ફરજિયાત છે અને એ માટે સરકારનો પરિપત્ર છે તો એનો અમલ કેમ થતો નથી. શાળાઓ સરકારી પરિપત્રનો અમલ ન કરે એ કઇ રીતે ચલાવી લેવાય. કોર્ટ આવી બાબતોનું સતત મોનિટરિંગ કરી શકે નહીં. તેથી સરકારે એવું કોઇ તંત્ર વિકસાવવું જોઇએ જે આ બાબતોનું મોનિટરિંગ કરી શકે. રાજ્યમાં અન્ય બોર્ડની શાળાઓ ગુજરાતી વિષય ભણાવવામાં ઉદાસિનતા કેમ દાખવી રહી છે, એવો પણ પ્રશ્ન કર્યો હતો.

ગુજરાતમાં તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવાની દાદ માગતી રિટ પિટિશનમાં સુનાવણી દરમિયાન  હાઇકોર્ટે એવી માર્મિક ટકોર પણ કરી હતી કે, અન્ય બોર્ડની શાળાઓ ગુજરાતની ધરતી પર શાળા ચલાવતી હોય ત્યારે તેમણે ગુજરાતી ભાષાને પણ માન આપવું જોઇએ.  શાળાઓ ગુજરાતી ભણાવવા અંગે ઉદાસીનતા દાખવે એ ચલાવી લેવાય નહીં. ભાષાનો સંબંધ સંસ્કૃતિ સાથે છે. ગુજરાતી આપણી સંસ્કૃતિ અને અસ્મિતા છે. હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે રાજ્યમાં કયા નિયમ હેઠળ શાળાઓને મંજૂરી કે એનઓસી આપવામાં આવે છે. જો એનઓસી આપવામાં આવતી હશે તો તેના માટેના નિયમો પણ હશે તે કોર્ટ સમક્ષ રજૂ કરો.  અગાઉ આ કેસની સુનાવણી દરમિયાન સરકાર તરફથી રજૂઆત હતી કે અંદાજિત 4460 શાળામાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવામાં આવી જ રહી છે. માત્ર 23 જેટલી શાળા એવી છે કે જેમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી. જે પૈકી 20 સીબીએસઇ અને 3આઇસીએસઇની શાળાઓ છે. અમુક બોર્ડ રાજ્ય સરકારની સત્તા હેઠળ આવતા નથી. તેથી કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડને પણ પાર્ટી તરીકે કેસમાં જોડવા જોઇએ. બીજી તરફ અરજદાર તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, રાજ્યની 85 જેટલી શાળાઓ હાલમાં પણ ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવતી નથી. સરકારના જે આંકડા છે તે ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી અંગ્રેજી માધ્યમની શાળાના છે. રાજ્યમાં 365 શાળા એવી છે કે જે વિવિધ બોર્ડ સાથે સંલગ્ન છે. જેમને પણ સરકારના પરિપત્રનો અમલ કરવો પડે. જોકે તેમ છતાંય તેઓ એનો અમલ કરતા નથી. અરજદારની એવી રજૂઆત પણ હતી કે, આઇબી બોર્ડની સાત, આઇસીએસની 56 શાળાઓ પૈકી 36 કેન્દ્રિય વિદ્યાલયની તમામ 46 શાળા ગુજરાતી ભણાવતી નથી. આવી 109 શાળાઓ પૈકી હજુ પણ 86 શાળાઓમાં ગુજરાતી ભણાવવામાં આવતી નથી.