ભોપાલ, 12 જાન્યુઆરી, 2026 – પતિ તરફથી તમામ મદદ મેળવીને પોલીસ અધિકારી બનેલી પત્નીને હવે તેના પતિની કામગીરી, તેનો પહેરવેશ અને સામાજિક દરજ્જો પસંદ નથી. અને એ કારણે એ પત્નીએ તેના પૂજારી પતિથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી દીધી છે.
મીડિયા અહેવાલો અનુસાર, ભોપાલના એક મંદિરના પૂજારીએ પોતાની જીવનભરની બચત પત્નીને પોલીસ અધિકારી બનાવવા ખર્ચી નાખી, પરંતુ હવે તે પતિ પોતાનું લગ્ન બચાવવા પરિવાર કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. તાજેતરમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત થયેલી પત્નીએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. તેનું કહેવું છે કે પતિના પરંપરાગત વસ્ત્રો, ધાર્મિક દેખાવ અને વ્યવસાયને કારણે તેને ‘શરમજનક’ લાગણી થાય છે.
અહેવાલ મુજબ પોલીસ અધિકારી બનેલી પત્નીએ છૂટાછેડાની અરજી કરતા પહેલાં ધોતી-કુર્તા પહેરતા અને શિખા રાખતા પતિને પોતાનાં વસ્ત્રો બદલવા, વાળ કપાવવા અને પૂજારીની ઓળખ છોડવા કહ્યું હતું, જેથી તે (પત્ની) તેના નવા સામાજિક અને વ્યાવસાયિક દરજ્જા સાથે સુસંગત બની શકે. પરંતુ પતિએ આ વાત માન્ય ન રાખતા દાંપત્ય જીવનમાં તિરાડ પડવા લાગી.
અહેવાલ મુજબ લગ્ન પછી દંપતિ ત્રણ-ચાર વર્ષ સુધી સાથે રહ્યા હતા. આ સમયગાળામાં પતિએ ધાર્મિક વિધિઓ કરવાથી મળેલી પોતાની મોટી બચત પત્નીના અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લગાવી હતી. પત્નીની મહેનત સફળ રહી. તેણે પરીક્ષાઓ પાસ કરી અને સબ-ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામી. જોકે, તાલીમ પૂર્ણ કરીને નોકરી પર જોડાયા બાદ થોડા જ સમયમાં દાંપત્ય સંબંધોમાં તણાવ શરૂ થયો હોવાનું કહેવાય છે.
પત્નીને પતિનું ધોતી-કુર્તા, પરંપરાગત શિખા અને પૂજારી જીવન સાથે જોડાયેલા દેખાવ સામે વાંધો હતો. આરોપ છે કે તેણે પતિને વાળ કપાવવા, કપડાં બદલવા અને વર્ષોથી જે ઓળખ સાથે જીવતો આવ્યો છે તે છોડી દેવા કહ્યું હતું. પતિએ પોતાની આસ્થા અને વસ્ત્રો પોતાની ઓળખનો અવિભાજ્ય ભાગ હોવાનું કહી ઇનકાર કરતા, પત્નીએ પરિવાર કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી.
સામાજિક રીતે શરમજનક લાગણી
અરજીમાં પત્નીએ જણાવ્યું છે કે જાહેરમાં પતિ સાથે દેખાવું તેને યોગ્ય નથી લાગતું અને સામાજિક રીતે શરમ અનુભવે છે. તેના જણાવ્યા મુજબ પતિનો વ્યવસાય અને દેખાવ હવે તેના વ્યાવસાયિક અને સામાજિક જીવન સાથે સુસંગત રહ્યો નથી.
અહેવાલો જણાવે છે કે, આ દંપતિને ફરીથી એક કરવાનો પ્રયાસ તરીકે અનેક કાઉન્સેલિંગ સત્રો યોજાયા હતા, પરંતુ સંબંધિત લોકોના કહેવા મુજબ પત્ની પોતાના નિર્ણય પર અડગ રહી અને સંબંધ આગળ વધારવાનો ઇનકાર કર્યો.

