Site icon Revoi.in

ઉત્તર-પૂર્વના પવનો ફુંકાતા હવે ગુજરાતમાં ધીમા પગલે ઠંડીનું જોર વધશે, ડિસેમ્બરથી કડકડતી ઠંડી

Social Share

અમદાવાદઃ કારતક મહિનો પુરો થવાને હવે પાંચ-છ દિવસ બાકી રહ્યા છે. ત્યારે હજુપણ ગરમી ઠંડી મિશ્રિત બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે મધરાત બાદ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે બપોરના ટાણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે હવે ઉત્તર-પૂર્ના પવનો ફુંકાવવા લાગતાં ક્રમશઃ ઠંડીમાં વધારો થશે. અને ડિસેમ્બરથી કડકડતી ઠંડી અનુભવાશે. એવું હવામાન શાસ્ત્રીઓ કહી રહ્યા છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં  હિમવર્ષાને કારણે ગુજરાતમાં ધીમા પગલે ઠંડીનો પ્રારંભ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી  અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરોના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના મતે આ વખતે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ઓક્ટોબરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં એટલો ઘટાડો થયો ન હતો.  હાલ ધીમા પગલે ઠંડીનું આગમન થઇ ગયું છે. અને સવાર સવારમાં ફુલગુલાબી ઠંડી પડવાની શરૂઆત  થઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ગુજરાતમાં  ઠંડીનું જોર વધશે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે  ત્યારબાદ એક ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે. ઉત્તર-પૂર્વના પવનને કારણે ગુજરાતમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થશે.  રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં હાલ ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં નવેમ્બરના પ્રારંભથી બે ઋતુ અનુભવાતી હતી. પરંતુ હવે ક્રમશઃ ઠંડીમાં વધારો થશે.આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની શક્યતા છે. હાલ 18 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીમાં આંશિક વધારો થઈ રહ્યો છે.  ઉત્તર ભારતમાં પહાડો પર હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજધાની દિલ્હીમાં પણ ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો નીચે આવવા લાગ્યો છે.