અમદાવાદ- ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ કોર્પોરેશનની જેમ ભાજપનો ભગવો લહેરાવાનો દાવો નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો. તેમજ આ વખતે આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે, કડી ભાજપનો ગઢ છે. આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો છે. કડી નપામાં બે તૃતિયાંશ બહુમતી ભાજપને મળી છે. 36માંથી 26 બેઠક અમારી બિનહરીફ થઈ છે. હું પણ મોટા ભાગના સમયમાં નપા પ્રમુખ અને સભ્ય રહી ચૂક્યો છું. જે ઘડતર થયું એના બાદ મને નાયબ મુખ્યમંત્રી તરીકે ભાજપે સ્થાન આપ્યું છે. હાલ ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. સાંજ સુધીમાં સારી ટકાવારી નોંધાશે. 5 વર્ષનું ભવિષ્ય જેમને જનતા આપશે એ ભાજપના હશે એવો વિશ્વાસ છે. બધા સાથે મળીને યાત્રાને એક એક ઘર સુધી પહોંચાડીશું.
આ પહેલા તેમણે તેમના ટ્વીટર પર એક ટ્વીટ કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી. તેમને ટ્વીટ જણાવ્યું કે, આજરોજ યોજાયેલ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં ઉભા રહેલ ભારતીય જનતા પક્ષના સર્વે ઉમેદવારોને મતદારો અને પ્રજાનો ખુબ સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થાય અને ભાજપના બધા જ ઉમેદવારોનો વિજય થાય તેવી સર્વને શુભેચ્છા પાઠવું છું.