Site icon Revoi.in

ગુજરાતમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક અપાશેઃ આરોગ્ય મંત્રી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના વધતા જતા કેસથી સરકાર ચિંતિત બની છે. અને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક આપવા સરકાર વિચારી રહી છે, તાજેતરમાં એફડીસીએ–ગુજરાત અને યુએસએફડીએ વચ્ચે માહિતી અને નોલેજના આદાનપ્રદાન માટે એફડીસીએ, ગુજરાત–યુએસએફડીએ રેગ્યુલેટરી ફોરમનું ગઠન થયું છે. આ ફોરમની મીટિંગમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ન્યૂમોકોકલ વેકિસન અને સર્વાઈકલ કેન્સર વેકસીન જનતાને નિ:શુલ્ક આપવા જેવી બાબતો પર સરકાર વિચારણા કરી રહી છે. ગુજરાત રાજ્ય દવાના ઉત્પાદનમાં મોખરાના સ્થાન સાથે રાહત દરે ગુણવત્તાયુકત દવાઓ સરળતાથી જનતાને પૂરી પાડવા પ્રતિબદ્ધ છે અને રહેશે.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારા વાઈબ્રન્ટ સમિટ-22 અંતર્ગત તારીખ 18  ડિસેમ્બર 2021ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર પ્રી–ઈવેન્ટ સમિટમાં સહભાગી થવા યુએસએફડીએની  ટીમને  મંત્રીએ આમંત્રણ આપ્યું હતું. યુએસએફડીએ ટીમે ઈન્ડો–યુએસ વેકિસનેશન પ્રોગ્રામ અંતર્ગત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત કરી હતી. આરોગ્ય મંત્રીએ ગુજરાત રાજ્યમાં ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે વડાપ્રધાન જન આરોગ્ય યોજના, મા અમૃતમ વાત્સલ્ય યોજના દરમિયાન દર શુક્રવારે વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરવાની કામગીરી કરવામાં આવે છે તેવી જાણકારી આપી હતી.

અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્યની ડ્રગ લેબોરેટરીને સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે પ્રસ્થાપિત કરવા માટે ચર્ચા કરતાં યુએસએફડીએ દ્રારા આ બાબતે સંમતિ દર્શાવવામાં આવી હતી. તેઓએ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે નોન–કમ્યુનિકેબલ ડીસીઝ, સર્વાઈકલ કેન્સર અને નેશનલ હેલ્થ પ્રોગ્રામને સુદ્રઢ  બનાવા માટે યુએસએફડીએ સાથે ચર્ચા કરી હતી. કેન્સર એવો રોગ છે જેમાં શરીરમાં રહેલા કોષો અનિયંત્રિત રીતે વિકસે છે. શરીરના જે અંગમાં કેન્સરની શરૂઆત થાય તેના પરથી તેનું નામ નક્કી કરવામાં આવે છે. જ્યારે સર્વિકસ (ગર્ભાશયનો નીચલો ભાગ)માં કેન્સર થાય છે ત્યારે તેને સર્વાઈકલ કેન્સર કહેવાય છે. સર્વિકસ વજાઈનાને ગર્ભાશયના ઉપરના ભાગ સાથે જોડે છે. મહિલા ગર્ભવતી હોય ત્યારે ગર્ભાશયમાં જ બાળક ઉછરે છે. તમામ મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરનું જોખમ રહેલું છે. સામાન્ય રીતે 30થી વર્ષથી ઉપરની મહિલાઓને સર્વાઈકલ કેન્સર થાય છે. કેટલાક પ્રકારના હ્યુમન પેપીલોમાં વાયરસ  સર્વાઈકલ કેન્સર થવાનું મુખ્ય કારણ છે. સ્ક્રીનિંગ ટેસ્ટ અને એચપીવી રસી મહિલાઓને સર્વાઈકલ કેન્સરથી બચાવી શકે છે. હવે મહિલાએઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક આપવા સરકાર વિચારી રહી છે