Site icon Revoi.in

ગુજરાતમાં મહિલા અધિકારી-કર્મચારીઓ પણ લાંચ લેતા અચકાતી નથીઃ ACB બન્યું વધારે એક્ટિવ

Social Share

અમદાવાદ: ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે વિજય રૂપાણી સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ પણ લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા કવાયત આરંભી છે. દરમિયાન 20 મહિનાના સમયગાળામાં લગભગ 24 જેટલી સરકારી મહિલા અધિકારી-કર્મચારીઓ લાંચ લેતા ઝડપાઈ છે. જેમાં ડેપ્યુ એક્ઝીક્યુટીવ એન્જીનિયર્સથી માંડીને તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી મહિલા અધિકારી-કર્મચારીનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 24 માંથી 20 મહિલાઓ લાંચ લેવામાં લાંબા સમયથી સક્રીય હતી અને તેઓ સામે આવકના જાણીતા સ્ત્રોત કરતા વધુ મિલ્કતોના કેસ પણ દાખલ થયા છે. ગુજરાતમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ 2020માં રાજયમાં સરકારી અધિકારીઓના લાંચના 199 કેસ નોંધ્યા હતા અને ચાલુ વર્ષે 7 સપ્ટે. સુધીમાં 94 કેસ નોંધાયા હતા. દરમિયાન જે મહિલાઓ લાંચ રૂશ્વતમાં ઝડપાઈ તેમાં પંચાયતથી લઈને રાજય જીએસટી વિભાગ, બંદર, ટ્રાન્સપોર્ટ, મહેસુલ, શિક્ષણ અને ગૃહ વિભાગમાં કામ કરતી મહિલા અધિકારી-કર્મચારીઓનો સમાવેશ થાય છે.  સરપંચમાં 8 મહિલાઓ, પાંચ પાંચ તલાટી કમ મંત્રી મહિલાઓ લાંચના છટકામાં ઝડપાઈ છે.  અમદાવાદમાં જોઈન્ટ કમિશ્ર્નર સ્ટેટ જીએસટીના નિતુ સિંઘ રૂા.1.50 લાખની લાંચ લેતા ઝડપાયા તો એક આદર્શ આશ્રમ શાળાના પ્રિન્સીપાલ દમયંતી ચૌહાણ તેના જ કર્મચારીના પગાર તફાવતના નાણા ચુકવવા બદલ લાંચ માંગી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મહેસુલ સહિતના વિભાગમાં ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં લાંચિયા અધિકારીઓ લાંચ લેવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે.