Site icon Revoi.in

તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં લોન આપતા પહેલા વર્લ્ડ બેંકની ટીમે નદી કિનારાની લીધી મુલાકાત

Social Share

સુરતઃ શહેરના તાપી નદીના કિનારે અમદાવાદ જેવો રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે વર્લ્ડ બેન્કની લોન માગવામાં આવતા પ્રોજેક્ટનો અભ્યાસ કરવા અને તાપીના કિનારે રિવરફ્રન્ટની શક્યતાને તપાસવા માટે વર્લ્ડ બેન્કની ટીમ સુરતની મુલાકાતે આવી છે. વર્લ્ડ બેંક તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે લોન આપવાની હોવાને કારણે તમામ ઊંડાણપૂર્વકની માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

વર્લ્ડ બેંકના ખાસ ટીમ સુરત આવી પહોંચી હતી. અને મ્યુનિ.કોર્પોરેશનના અને સરકારના અધિકારીઓને સાથે રાખીને તાપી નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવાનો છે, ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વર્લ્ડ બેંકની દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તાપી તટ ઉપર ફરી નાનામાં નાની બાબતોની અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વર્લ્ડ બેંક દ્વારા માત્ર મ્યુનિ. કોર્પોરેશનના તાપી રિવરફ્રન્ટ જ નહીં પરંતુ અન્ય પ્રોજેક્ટની પણ માહિતી એકત્રિત કરી હતી.

સુરત મ્યુનિ.કોર્પોરેશનનો  અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તાપી રિવરફ્રન્ટને લઈને હવે વર્લ્ડ બેંકની ટીમ સુરત આવી પહોંચી હતી. સોમવારે વર્લ્ડ બેંકની ટીમે સુડા ખાતે મીટિંગ કરી હતી. જ્યાં મ્યુનિના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રિવરફ્રન્ટની ડિઝાઇન અને કેટલા વિસ્તાર સુધી આ પ્રોજેક્ટનો ફેલાવો છે. તે સહિતની નાનામાં નાની વિગતો રજૂ કરવામાં આવી હતી. તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.3904 કરોડ અંદાજવામાં આવ્યો છે. વર્લ્ડ બેંક આ પ્રોજેક્ટમાં સૌથી વધુ હિસ્સો નજીવા દરે વ્યાજથી લોન આપશે. જેથી કરીને પોતે આપેલા નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ મ્યુનિ.કોર્પોરેશન કરે તે માટે તમામ પ્રોજેક્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ  મ્યુનિ.કોર્પોરેશનની આવક કેટલી છે. તે અંગે પણ વર્લ્ડ બેંકના કર્મચારીઓ વિગત મેળવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કરતાં પણ વધુ આકર્ષક અને સુંદર રિવરફ્રન્ટ તૈયાર કરવા માટે સુરત મ્યુનિ.કોર્પોરેશન આગળ વધી રહી છે.