Site icon Revoi.in

વિશ્વ પર્યાવરણ દિવસઃ દેશમાં પાંચ વર્ષના સમયગાળામાં એક કરોડથી વધારે વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરમાં ભારતમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. જેથી દુનિયાના અન્ય દેશોમાંથી મદદ મળી હતી. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત ઉભી થતા લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયું છે. બીજી તરફ દેશમાં વિકાસના નામે પાંચ વર્ષના સમયગાળામાં એક કરોડથી વધારે વૃક્ષોના છેદન માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાનું જાણવા મળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસની હરણફાડ ભરી છે. જો કે, વિકાસના નામે વૃક્ષોનું છેદન કરીને પર્યાવરણ સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે સરકારે ‘વિકાસ’ના નામે પાછલાં પાંચ વર્ષોમાં સમગ્ર દેશમાં 1,09,75,844 વૃક્ષો કાપવાની પરવાનગી આપી છે. જો તેની સરેરાશ કાઢવામાં આવે તો દેશમાં દર મિનિટે લગભગ ચાર વૃક્ષો કાપવામાં આવ્યાં છે.

પર્યાવરણ પ્રેમીઓ માને છે કે, જો વૃક્ષોના જતન પ્રત્યે લોકો જાગૃત નહીં થાય તો ભવિષ્યમાં વૃક્ષોના આડેધડ નિકંદનને કારણે કોરોના કાળમાં ઉભી થયેલી પરિસ્થિતિ સામાન્ય બની જશે.  બૉટનિસ્ટ અને વડોદરા સ્થિત કૉમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડિરેક્ટર જિતેન્દ્ર ગવળી કહ્યું હતું કે, એ વાત સાથે હું સંપૂર્ણ સંમત છું કે સરકાર પાસે આ ઝાડોને કાપવા સિવાય અન્ય ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે. પરંતુ કારણ કે તે સરળ અને ઓછો ખર્ચાળ ઉપાય છે તેથી ઝાડ કાપવાનો રસ્તો ઝડપથી અપનાવી લેવાય છે. પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઓન રેકર્ડ પૂરા પાડવામાં આવેલા વૃક્ષચ્છેદનના આંકડા કરતાં અસલ આંકડા દસ ગણા વધુ હોઈ શકે. સરકારની મંજૂરી સિવાય પણ ઘણાં વૃક્ષો કપાતાં હોય છે. જેની કોઈ ગણતરી થતી હોતી નથી.

‘વિકાસ’નાં કામ અર્થે જેટલાં વૃક્ષો કાપવાની પરવાનગી અપાય છે તના કરતાં દસ ગણાં વૃક્ષો આ વૃક્ષછેદનના વળતર સ્વરૂપે વાવવામાં આવતા હોવાનો સરકારે દાવો કર્યો હતો. પર્યાવરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી બાબુલ સુપ્રિયોએ ફેબ્રુઆરી, 2020માં આપેલા લોકસભામાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે સરકારે પાછલાં ત્રણ વર્ષમાં 76,72,337 વૃક્ષો કાપ્યાં છે. જેની સામે વળતર સ્વરૂપે 7,87,00,000 વૃક્ષો વાવ્યાં છે.