આત્મકથાઓ ઘણી વાંચી છે. ઘણી ગમી છે, તો કોઈક નથી ગમી એવું પણ બન્યું છે. આત્મકથા એટલે જીવનને પાછું વળીને કે દૂર ઊભા રહીને વિતેલા, વહી ગયેલા સમયને પોતાના સંદર્ભમાં ફરી એકવાર વાગોળી જોવાનું જીવનકાર્ય.
“સત્યના પ્રયોગો” ગાંધીજી લખી શકે. સામાન્ય માનવીનું એ ગજું, હિંમત નહિ. પોતાની જાતને તદ્દન નિવસ્ત્ર કરવી, યથાતથા ઉઘાડી પાડવી એ કામ લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર ગણાય. બહુ ઓછી આત્મકથાઓમાં આ હિંમત હોય છે.
પરંતુ હિમાંશી શેલતની મુક્તિ વૃત્તાંત આત્મકથા વાંચતી વખતે લેખિકાના શબ્દોમાં રહેલી સચ્ચાઈ અંદર સુધી સ્પર્શતી રહી. 184 પાનામાં ગૂંથાયેલી આ કથા જાણે એક સત્ય હકીકત પર લખાયેલી નવલકથા વાંચતા હોઈએ એવો અહેસાસ કરાવી ગઈ. એના પાને પાને એક સચ્ચાઈ હોવાની અનુભૂતિ સતત થતી રહી.
શરૂઆતના પાના પર શ્રી ટાગોરની આ પંક્તિ જાણે આ પુસ્તકનો સાર, તેનો મર્મ સમજાવી ગઈઃ
અસંખ્ય બંધન માઝે મહાનન્દમય.
લભિબ મુક્તિર સ્વાદ.
અર્થાત “અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનન્દમય મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.”
અહીં લેખિકાએ પોતાનું નામ જ બદલ્યું છે. હિમાંશીનું નામ અહીં મુક્તિ થયું છે. કદાચ તેમની કોઈ અદ્રશ્ય આંતરઝંખનાનું પ્રતિબિંબ જાણ્યે, અજાણ્યે એમાં ગોપિત થયું હશે પોતાની વાત લખતા પહેલાની જે કશ્મકશ તેમણે અનુભવી છે એનું શરૂઆતનું આલેખન તો જુઓ..
પોતાની જાતને જ એ કહે છેઃ
“મારે જોઈ લેવું છે કે કેટલા પ્રામાણિક અને નિખાલસ થઇ શકાય છે. એક પ્રકારનો બાર ડાંસ..બધા જોતા હોય ત્યારે અજવાળામાં ખુલ્લા થઈને ઊભા રહેવાની તાકાત કેવી છે જોઈએ તો ખરા. મુક્તિ જેવી છે તેવી, કોઈ ઢોળ ચડાવ્યા વિનાની અને રંધો ફેરવ્યા વગરની, બસ, એની જોડે આંખ મેળવવાની ઈચ્છા.
સ્થાપનનાં નહિ, દહાડા તો ઉથાપનના છે. પથારા સંકેલવાનો સમય. પણ વહી ગયેલું જીવન ચોગમથી જોવું છે, પકડવું છે. બધા ઉધામા અને ધખારા, સંબંધોના ઝાંઝવા, વ્યક્તિઓની આવનજાવન..એમાં કેટલું બોદું અને કેટલું ટકોરાબંધ, જતા પહેલા એક વાર નજર કરી લેવી છે. પછી ચોપડો બંધ.
આગળ તેઓ કહે છે.. જોકે હવે એનો યે શો મોહ? જયાં બધું પતિ ગયું છે અને તું લગભગ એકલ ભૂત જેવી રહી છે ત્યારે?”
આ પણ વાંચોઃ મુસ્લિમ સ્ત્રીઓ મૌન રહે તેવી અપેક્ષા રખાય છે, પણ મેં પિતૃસત્તાને પડકારી છેઃ બુકર વિજેતા બાનુ મુશ્તાક
જોકે અંદરથી એમને જવાબ પણ મળે છે.
“મોહ નહિ, તાળો મેળવવા જેવું કામ. અને એ તો છેલ્લે જ હોય ને, બધું પતી જાય પછી. મારે મારા સંબંધોની સચ્ચાઈને ચકાસવી છે. અને કામની નક્કરતાને પણ.“
જાત સાથેના આકરા મનોમંથન પછી જાણે પોતે જાતને ચુકાદો આપે છે.
“લખ ને, કર વાસનામોક્ષ. હું ક્યાં રોકવા આવવાની છું?“
અને પછી શબ્દો ઝરણાની જેમ ખળખળ કરતા વહી રહે છે. કદીક ખડકો સાથે અથડાય છે તો કદીક સપાટ મેદાનમાં નિર્બંધ રીતે જીવન ઝરણું વહેતું રહે છે.
હિમાંશી બહેનને પોતે જીવેલા જીવતરનો તાળો મેળવવો છે. પૂરી સચ્ચાઈથી મેળવવો છે ને સમાજને આપવો છે. અને એમાં તેઓ શત પ્રતિશત સફળ થયા છે.
પ્રાણીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ પાને પાને છલકાતો રહે છે. તેમના જીવનનું એક અભિન્ન અંગ છે એ અબોલ પ્રાણીઓ. કૂતરા કે બિલાડાં માટે એમને નિરપેક્ષ આકર્ષણ. આ પ્રેમનું જ તો લક્ષણ. કોઈ સ્વાર્થ વિનાનું વારી જવાનું અને વરસી પડવાનું.
લગ્ન અને માતૃત્વથી વેગળા રહેવાનો નિર્ણય લઇ લીધા બાદ સુડતાલીસમા વરસે એકાએક નીલમણી / વિનોદ મેઘાણી સાથે લગ્ન કેમ કર્યા એ એમને મન આજે પણ અકબંધ કોયડો છે.
તેઓ કહે છે કે “માતૃપદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્ત્રી અધૂરી છે, એ ખ્યાલને સમાજે અને પરિવારે ઘૂંટી ઘૂંટીને એ હદે ઘેરો બનાવી દીધો છે કે ખુદ સ્ત્રીને પણ એ અપૂર્ણતા ખટકવા માંડે.”
પતિ સાથેના સંબંધોમાંથી ઘટતી જતી ઉષ્માને એમણે પૂરી સચ્ચાઈ અને હિંમત અને પ્રામાણીકતાથી વ્યક્ત કરી છે. સસરા ઝવેરચંદ મેઘાણીને ઉદ્દેશીને એ પોતાની અકળામણ સહજ ભાવે વ્યક્ત કરે છે. સ્વર્ગે સંચરેલા સસરા તો એ વાંચી ક્યાં શકવાના હતા? પણ એક પુત્રવધૂ આદરણીય, સ્નેહાળ સસરાજીને સંબોધીને પત્રો લખતાં રહે છે. પણ આખરે એ પ્રકાશિત કરવાનો મોહ છોડે છે. અને નષ્ટ કરે છે.
પતિના અવસાનની પળોને આલેખી છે, તો સોનુ એમના પ્રિય કૂતરાની આખરે પળોને પણ અહીં એટલી જ ઉત્કટ, અંતરને હચમચાવી જાય એવી ભાવવાહી ક્ષણો આલેખાઈ છે.
આ પુસ્તક વાંચનારા દરેક ભાવક આ અનુભૂતિમાંથી અવશ્ય પસાર થશે જ એવી મારી દૃઢ શ્રદ્ધા છે.
અરૂણોદય પ્રકાશન, અમદાવાદ. લેખિકા.. હિમાંશી શેલત, વર્ષ.. ૨૦૧૬

