Site icon Revoi.in

સરકારના સહકારથી યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશેઃ ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરીને નવા ભારતના નિર્માણમાં દેશના નવયુવાનોની પ્રતિભા, તેમનો જુસ્સો અને ટેલેન્ટ ખૂબ જ મહત્વની સાબિત થવાની છે.

2047 માં વિકસિત ભારતના નિર્માણમાં આવનારા પડકારો અને પ્રશ્નોના સમાધાન નવા વિચારો, નવા ક્લેવર અને નવા સંશોધનો સાથે શોધવાની જરૂર છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન જેવા પ્લેટફોર્મ વિવિધ સેક્ટરના રીયલ લાઈફ પ્રોબ્લેમને સોલ્વ કરવાની દિશામાં દેશની યુવાશક્તિને યથાયોગ્ય રીતે સહભાગી બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું.

દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનના સૂત્ર સાથે જય અનુસંધાનશબ્દ જોડીને ખરાં અર્થમાં દેશને રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે નવા આયામ ઉપર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. સરકારી વિભાગો, ઇન્ડસ્ટ્રી, મંત્રાલયો વગેરેના રિયલ ટાઈમ પ્રોબ્લેમના સોલ્યુશન માટે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એક મહત્વનું પ્લેટફોર્મ છે.

આ ઇવેન્ટ દેશની સમસ્યાઓ અને પડકારોનો સમાધાન માટે યુવાવર્ગની હકારાત્મક ભાગીદારી સુનિશ્ચિત કરે છે. પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ ધરાવતી યુવા પ્રતિભાઓનો આ મહાસંગમ છે. દેશને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનું બહુમાન પ્રાપ્ત કરાવનારી ઈસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આ સ્પર્ધાના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સૂચવવામાં આવ્યા છે, જે ગૌરવની વાત છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન જેવા ઉપક્રમો દેશના પ્રતિભાશાળી યુવાનોની આકાંક્ષાઓને દિશા આપીને વિકસિત ભારતના નિર્માણમાં પ્રેરકબળ પૂરું પાડશે એમ તેમણે ઉમેર્યું હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશમાં આજે આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, શિક્ષણ, ડિફેન્સ જેવા દરેક ક્ષેત્રે ક્રાંતિ થકી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને દેશના યુવાઓ માટે નવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે. આજે દેશમાં રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે નવી શિક્ષણનીતિ, અટલ ઇનોવેશન મિશન, આઈ-ક્રિએટ, આઈ-હબ જેવા અનેકવિધ ઉપક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

આઈ-ક્રિએટ જેવી સંસ્થાએ 500થી વધુ સ્ટાર્ટઅપ તૈયાર કર્યા છે. અટલ ટીંકરીંગ લેબ યુવાઓના આઈડિયાને સાકાર કરવા માટે સુવિધા પૂરી પાડે છે. આવા અનેકવિધ વિકાસલક્ષી નિર્ણયો અને કાર્યોના લીધે આપણો દેશ આજે ઈનોવેશન ઇન્ડેક્સ માં ખૂબ જ આગળ વધ્યો છે. દેશમાં પેટન્ટ સાત ગણા વધ્યા છે, જ્યારે એક લાખથી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયા છે એમ તેમણે ઉમેર્યું હતું. સરકારના સહકાર દ્વારા દેશની યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે તેવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના પ્રારંભે ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પહેલાના સમયમાં ટેકનોલોજી, દવાઓ, વેક્સિન જેવી આરોગ્ય સેવાઓ સહિત અવનવા સંશોધનોના પરિણામો આપણા સુધી આવતા ઘણું મોડું થઈ જતું હતું. વિશ્વના અન્ય દેશોમાં ટેકનોલોજી ઘણી પહેલા આવી જતી હતી. પ્રાચીન સમયથી જ ભારતે વિજ્ઞાન ક્ષેત્રે ખગોળશાસ્ત્ર, ગ્રહો, નક્ષત્રો, ચંદ્ર અને સૂર્યની ગતિ સહિત શૂન્ય જેવી અનેક શોધો વિશ્વને આપી છે, પરંતુ કમનસીબે આપણું વિજ્ઞાન, આપણા ઋષિમુનિઓનું જ્ઞાન, વેદોની વિદ્યા અને આપણા પ્રાચીન ગ્રંથોમાં રહેલા વિજ્ઞાનનો આપણે જેવો જોઈએ તેવો ઉપયોગ કરી શક્યા નહોતા.

મંત્રીએ જણાવ્યું કે, આજે 21મી સદીમાં સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે દિશા બદલાઈ છે. આજે આપણે વિશ્વમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવા વાળો પહેલો દેશ બન્યા છીએ.  આજે દુનિયાભરમાં સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની બોલબાલા છે. સિલિકોન વેલી સહિત દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં આપણા યુવાનો કાઠું કાઢી રહ્યા છે. આજે આપણે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે અન્ય દેશો પર નિર્ભર રહ્યા નથી. આપણે આપણી સમસ્યાઓના સમાધાન જાતે જ મેળવી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે દેશની યુવા શક્તિ અને સ્ટાર્ટઅપ્સને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતુ.