Site icon Revoi.in

દેડિયાપાડાના 118 વર્ષીય ચંપાબેન 1951માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું

Social Share

અમદાવાદઃ દેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઇ વસાવાને જૂઓ તો તમને એવું લાગે જ નહીં કે આ મહિલા પોતાના જીવનના 118 વર્ષના પડાવે પહોંચી ગયા છે ! સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધું ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે, પણ તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ શરમાવે એવી છે. 50 થી વધુ પારિવારિક સભ્યોનો વસ્તાર ધરાવતા ચંપાબેન પોતાની ચોથી પેઢીની પ્રપૌત્રી સાથે લોકસભાની આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન મથકે જવાના છે. આઝાદી બાદ 1951માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય એવા તેઓ રાજ્યના ગણ્યાગાંઠ્યા મતદારો પૈકીના એક છે.

ચંપાબેન વસાવાએ જીવનના અનેક તડકા છાંયા જોયા છે. આઝાદી બાદની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના તેઓ સાક્ષી છે. એક જમાનો હતો કે જ્યારે તેઓ સોલિયાથી સાઇઠ કિલોમિટર દૂર આવેલા પોતાના પિયર ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે ચાલીને જતા હતા. સવારે નીકળે એટલે સંધ્યા ટાણે પહોંચી જાય. ક્વચિત એટલે જ આજે પણ તેઓ સારી રીતે ચાલી શકે છે. તેમનો અભ્યાસ નહીં પણ, અક્ષરજ્ઞાન ખરું ! એટલે પુત્રપૌત્રાદિના અભ્યાસમાં ઘણી રુચિ દાખવી અને ભણાવ્યા છે. તેમની દૈનિક પ્રવૃત્તિ અને આહારશૈલી પણ રસપ્રદ છે. તેઓ બપોરે મકાઇ, બાજરાના રોટલા અને શાક અને સાંજે ખીચડી, દૂધ જેવો હળવો ખોરાક જમે છે.

તેમણે ખાંડેલું અને પથ્થરની ઘંટીમાં દળેલું અન્ન બહુ ખાધુ છે. ફાસ્ટફૂડથી તો તેઓ જોજનો દૂર રહે છે. સાંજે નવેક વાગ્યે તો તેઓ સૂઇ જાય છે અને વહેલી સવારે પાંચ વાગ્યે નિયમિત ઉઠી જાય છે. ઉઠીને ન્હાવા ધોવાની દૈનિક ક્રિયાઓ પણ કોઇની મદદ વિના પોતાની જાતે આટોપી લે છે. એટલું જ નહીં, સવારમાં હાથમાં સાવરણો પકડીને ફળિયાની સફાઇ પણ કરે છે. સાંભળવામાં થોડી તકલીફ છે બાકી હજુ સુધી તેમણે દવાખાનું પણ જોયું નથી. બોલો ! છે ને આશ્ચર્યની વાત ? સુદીર્ઘ આયુષ્ય પાછળ તેમનીઆહાર અને જીવનશૈલી જ મહત્વની છે.

અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે, દુર્ગમ વિસ્તારમાં રહેતા હોય તો પણ એમણે પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કેવી જાગૃતિ સાથે મતદાન કર્યું હશે ? આ બાબતમાં તેમના પુત્ર ઠાકોર વસાવાને પૂછતા કહ્યું કે, અમારા પિતા પારસિંગભાઇ વસાવા સોલિયા ગામના અગ્રણી અને સેવાભાવી વ્યક્તિ હતા. વિક્રમ સંવંત 1956ના ભીષણ દુષ્કાળ દરમિયાન રાજપીપળાથી અનાજ લાવીને ગામમાં વિતરણ કર્યું હતું. પારસિંગભાઇએ અનેક ઉત્સવોની સામુહિક ઉજવણીની પરંપરા ગામમાં શરૂ કરી હતી. એટલે લોકશાહી પ્રત્યે નાગરિક તરીકેની જવાબદારી ગળથુંથીમાં મળી છે. અમે તમામ ચૂંટણીમાં મતદાન કરવા માટે જઇએ છીએ અને ચંપાબાને પણ લેતા જઇએ છીએ.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિશેષ વાત એ છે કે, પરિવારજનોએ ચંપાબાને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાને બદલે બૂથ ઉપર મતદાન કરાવવા માટે લઇ જવાના છે. બીજી વાત એ કે, આ પરિવારની પુત્રી અનિતા પ્રથમ વખત મતદાન કરવાની છે. એટલે 118 વર્ષના ચંપાબા અને 18 વર્ષની અનિતા એક સાથે મતદાન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના 32 અને નાંદોદ વિધાનસભા મત વિસ્તારના 40 મળી કુલ 72 શતાયુ મતદારો છે. જો આટલા વયોવૃદ્ધ મતદાર મતદાન કરવા જવાના છે, તો બાકીના મતદારોએ પણ કોઇ બહાના કાઢ્યા સિવાય પોતાના બંધારણીય અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ.