Site icon Revoi.in

સુરતમાં દીપડાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો નોંધાયો

Social Share

અમદાવાદઃ  પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા. 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાય છે. વનવિભાગ દ્વારા વનકર્મીઓ, પ્રકૃત્તિ સંરક્ષકો અને જાગૃત્ત નાગરિકોને તાલીમ આપવાની સાથોસાથ તેમની સારી કામગીરી માટે સન્માનિત પણ કરવામાં આવે છે. ગુજરાતમાં તા. 2 થી 8 ઓકટોબર દરમિયાન તમામ 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને 100 ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ભારતમાં વનસંપદા અને વન્યજીવ સંરક્ષણ માટે ભારતના કુલ જમીની ક્ષેત્રફળનો 4.7 ટકા વિસ્તાર વન્યજીવો માટે સુરક્ષિત વિસ્તાર (Wildlife Protected Area) જાહેર કરાયો છે. વિશ્વમાં એકમાત્ર ગુજરાતના જંગલોમાં એશિયાઈ સિંહ (Asiatic Lion) અને ભારતીય ઘુડખર (indian wild ass) વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળે છે. મુખ્ય વન સંરક્ષક ડો.કે.શશીકુમારે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૫૦,૦૦૦ હેકટર વન વિસ્તાર આવેલો છે. જેમાં ડુમસ, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વન વિસ્તારમાં દીપડા, શિયાળ, હરણ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર, વરૂ, રોઝ, ચોશિંગા, ભેંકર જેવા જુદી-જુદી પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે.

વરૂ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર એમ આ ચાર પ્રજાતિઓના પ્રાણીઓની સંખ્યા 720 છે, ઉપરાંત, રોઝ, ચોશિંગા અને ભેંકરની કુલ સંખ્યા 1652 છે. 2018થી 2023ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં દીપડાની સંખ્યામાં નોંધનીય 63 ટકાના વધારો થયો છે. અગાઉ સુરત જિલ્લામાં 2018માં 40 દીપડા હતા, પરંતુ વન્યપ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનની કામગીરીને કારણે વધીને 2023માં 104 દીપડા નોંધાયા છે, એટલે કે દીપડાની વસ્તીમાં ૧૪૫ ટકાનો વધારો થયો છે. સુરત જિલ્લામાં પક્ષીઓની 236 પ્રજાતિઓ અને વૃક્ષોની 126 પ્રજાતિઓ જોવા મળે છે.