Site icon Revoi.in

ભારતમાં 45 ટકા લોકો ઈનટરનેટની સુવિધાનો નથી કરતા ઉપયોગ

Social Share

મુંબઈઃ ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. છેલ્લા એકાદ દાયકામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. પહેલા 2G, 3G, 4G અને હવે 5G સેવાઓ પણ ભારતમાં શરૂ થઈ ગઈ છે. વર્ષ 2024 માં, ભારતના કરોડો ટેલિકોમ વપરાશકર્તાઓએ 4G સેવા છોડી દીધી અને 5G સેવાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. હવે તેમને 4G ઇન્ટરનેટની સ્પીડ પણ ઓછી લાગી રહી છે.  પરંતુ શું તમે જાણો છો કે ભારતના કેટલા લોકો પાસે હજુ પણ ઇન્ટરનેટ નથી. એક રિપોર્ટ અનુસાર, ભારતની લગભગ અડધી વસ્તી પાસે હજુ પણ ઇન્ટરનેટની સુવિધા નથી.

IAMAI એટલે કે ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને કંતારએ સંયુક્ત રીતે એક અભ્યાસ હાથ ધર્યો હતો અને તેના આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતીય વસ્તીના 45% લોકો પાસે હજુ પણ ઈન્ટરનેટની સુવિધા નથી. જો આપણે આ સંખ્યાને સમજીએ તો વર્ષ 2023 સુધીમાં ભારતમાં રહેતી કુલ વસ્તીમાંથી 665 મિલિયન એટલે કે લગભગ 66.50 કરોડ લોકો પાસે હજુ પણ ઈન્ટરનેટ સુવિધા નથી.

બિન-સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓનો ડેટા આ અહેવાલમાં દર્શાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં ભારતના 52% લોકો એટલે કે લગભગ 76.20 કરોડ લોકોએ ઈન્ટરનેટ સુવિધાનો ઉપયોગ કરતા ન હતા. વર્ષ 2022 ની વાત કરીએ, તો તે વર્ષમાં આ આંકડો ઘટીને 48 ટકા પર આવી ગયો હતો, અને ત્યારે પણ 71.40 કરોડ લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા નહોતી. હવે આ આંકડો વર્ષ 2023માં 45% પર પહોંચી ગયો છે, જ્યારે ભારતના 66.50 કરોડ લોકો બિન-સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. છેલ્લા ત્રણ વર્ષના આ આંકડાઓ પર નજર કરીએ તો સમજી શકાય છે કે ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં દર વર્ષે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. બિન-સક્રિય વપરાશકર્તાઓની સંખ્યામાં ઘટાડો દર વર્ષે લગભગ 3-4 ટકા છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના ગામડાઓમાં રહેતા લગભગ અડધા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. ઈન્ટરનેટનો ઉપયોગ ન કરવા પાછળ ઘણાં વિવિધ કારણો છે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં રહેતા 23% બિન-સક્રિય ઈન્ટરનેટ વપરાશકર્તાઓ માને છે કે ‘ઈન્ટરનેટ સમજવું અને વાપરવું ખૂબ મુશ્કેલ છે.’