Site icon Revoi.in

રાજકોટના ગોંડલ નજીક એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 5ના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજકોટના ગોંડલમાં એસટી બસ અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા નજીક પુરઝડપે પસાર થતી કારનું ટાયર ફાટ્યું હતું. મોટરકાર રાજકોટથી ગોંડલ જતી હતી. દરમિયાન મોટરકાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેથી કારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બન્યું હતું. અકસ્માતની જાણ થતાં થતાં જ આસપાસના સ્થાનિકો લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર નીકાળયા હતા. તેમજ 108ને જાણ કરી હતી.

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ અને 108ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. પોલીસે તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ મૃતકોની ઓળખ મેળવવાની કવાયત આરંભી હતી. માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી હતી.