વોશિંગ્ટન, 9 જાન્યુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સામાન પર ટેરિફ (આયાત શુલ્ક) વધારવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે, આ વિવાદ પાછળ માત્ર રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ જ નથી, પરંતુ પીએમ મોદી દ્વારા ફોન ન કરવામાં આવતા ટ્રમ્પની ‘ઈગો’ હર્ટ થઈ હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.
અમેરિકી વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે એક પોડકાસ્ટમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, ભારત સાથે વેપાર સમજૂતી લગભગ તૈયાર હતી, પરંતુ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન ન કર્યો હોવાથી આ ડીલ ફાઈનલ થઈ શકી નથી. લુટનિકના જણાવ્યા અનુસાર, તેમણે પીએમ મોદીને વિનંતી કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિને ફોન કરીને સમજૂતીને અંતિમ ઓપ આપે, પરંતુ ભારત આવું કરવામાં અસહજતા અનુભવી રહ્યું હતું.
હાલમાં ભારતીય સામાન પર અમેરિકામાં પ્રવેશવા માટે 50 ટકા જેટલો જંગી ટેરિફ લાગુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે, ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે, જેનાથી તેઓ નાખુશ છે. આ શુલ્ક ઘટાડવા માટે અત્યાર સુધી છ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, છતાં કોઈ પરિણામ આવ્યું નથી.
આ પણ વાંચોઃલાલુ પરિવારની મુશ્કેલી વધી: લેન્ડ ફોર જોબ’ કેસમાં ચાર્જફ્રેમ કરાયો
વાણિજ્ય મંત્રી લુટનિકે વધુમાં જણાવ્યું કે, “અમને અપેક્ષા હતી કે ભારત સાથે વેપાર સમજૂતી અન્ય દેશો પહેલા થશે. પરંતુ પીએમ મોદીના ફોન ન આવવાને કારણે અમે ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને વિયેતનામ સાથે ઊંચા દરે સમજૂતીઓ કરી લીધી. બાદમાં જ્યારે ભારતે સંપર્ક કર્યો અને કહ્યું કે ‘અમે તૈયાર છીએ’, ત્યારે મેં તેમને પૂછ્યું – હવે કઈ વાત માટે તૈયાર છો?”
અમેરિકી મંત્રીના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા જાગી છે કે શું બે દેશો વચ્ચેના અબજો ડોલરના વેપાર અને હજારો ભારતીય નિકાસકારોનું ભવિષ્ય માત્ર એક ‘ટેલિફોનિક વાતચીત’ પર નિર્ભર છે? ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ભારત રશિયા સાથેના તેલ વેપાર પર પોતાનું વલણ નહીં બદલે, તો ટેરિફ હજુ પણ વધી શકે છે.
આ પણ વાંચોઃઓપરેશન સિંદૂરમાં NCC કેડેટ્સનું યોગદાન પ્રશંસનીય: વાયુસેના પ્રમુખ

