Site icon Revoi.in

સૂર્ય ગુજરાત યોજનામાં ત્રણ જિલ્લાના વીજ ગ્રાહકોને 57,722 લાખ સબસિડીનો લાભ અપાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય-ગુજરાત’ની વિગતો અંગે વિધાનસભા ગૃહ ખાતે ઊર્જા મંત્રી  કનુભાઇ દેસાઇને સંબોધીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં 28,835 વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા 1,11,031 કીલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ રૂ. 16,906 લાખ સબસીડી ચૂકવવામાં આવી છે.

એવી જ રીતે સુરત જિલ્લામાં કુલ 32,253  વીજ ગ્રાહકોએ કુલ 1,47,029 કીલોવોટની ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવી છે, જે સોલાર સિસ્ટમ લગાવનાર વીજ ગ્રાહકોને કુલ રૂ. 22,387 લાખ સબસીડી આપવામાં આવી છે. જ્યારે વડોદરા જિલ્લામાં પણ “સૂર્ય ગુજરાત યોજના” હેઠળ 29,094  વીજ ગ્રાહકોએ  કુલ 1,21,033  કીલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવી છે, જેના પરિણામે વીજ ગ્રાહકોને કુલ રૂ. 18,429 લાખ સબસીડી ચુકવવામાં આવી છે. આમ, ‘સૂર્ય-ગુજરાત યોજના’ હેઠળ રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લાના આશરે 90 હજારથી વધુ વીજ ગ્રાહકોને છેલ્લા બે વર્ષમાં રૂ. 57,722  લાખની સબસિડીનો લાભ અપાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્યમાં ઑગસ્ટ 2019 થી ‘સૂર્ય-ગુજરાત યોજના’ કાર્યરત છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રુફટોપ સ્થાપિત કરવામાં 82 ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે, ત્યારે આ યોજના હેઠળ વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર એક કિલોવૉટથી મહત્તમ 10 કિલોવૉટની મર્યાદામાં સોલાર રૂફટોપ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે.