Site icon Revoi.in

બોટાદના 78 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ. 306 કરોડના MOU કર્યાં

Social Share

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટને સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બોટાદના નાનાજી દેશમુખ ઓડોટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે  ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ બોટાદ’ સમિટ યોજાઈ હતી.  આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે, ગુજરાત સરકારે વર્ષ 2003માં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમીટની શરૂઆત કરી હતી જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતે વિકાસની દિશામાં કદમ માંડ્યાં છે. વાઈબ્રન્ટ ગુજરાત સમીટ થકી રાજ્યમાં વેપાર અને રોકાણની તકોને વિપુલ પ્રમાણમાં પ્રોત્સાહન મળી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, વાઈબ્રન્ટ સમિટ એ એક બ્રાન્ડીંગ નહીં પરંતુ બોંન્ડીગ છે. ગુજરાત રાજ્યે ભારત સાથે અને ભારતે અન્ય દેશો સાથે બોંન્ડીગ કરીને મૂડીરોકાણ કરીને ભારતે સર્વસમાવેશક વિકાસ સાધ્યો છે.વડાપ્રધાનએ પ્રારંભાયેલી વાઈબ્રન્ટ સમિટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તે જ દિશામાં  આગળ ધપાવી રહ્યાં છે. છેવાડાના લોકો માટે વાઇબ્રન્ટ સમીટ રોજગારીનું માધ્યમ બનશે તેમ જણાવ્યું હતું. ઉદ્યોગ, વેપાર,ધંધાના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ડાયમંડ એકમો, કોટન જીનીંગ અને પ્રેસીંગ એકમો, ફૂડ પ્રોસેસીંગ એકમો, ઓઇલ મીલ, પીવીસી પાઇપ એકમો તથા એન્‍જીનીયરીંગ સહિતના વિવિધ એકમો પણ આવેલા છે. બોટાદ જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ બોટાદના કાર્યક્રમ થકી જિલ્લાના 78 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ. 306.42 કરોડના એમ.ઓ.યુ.કર્યાં હોવાથી અંદાજે 1213થી વધુ વ્યક્તિઓને રોજગારી મળી રહેશે. આગામી સમયમાં બોટાદ જિલ્લો વિકસીત જિલ્લો બનશે તેવી પ્રતિબધ્ધતા મંત્રીએ વ્યક્ત કરી હતી. 

બોટાદવાસીઓને સંબોધતા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, “આજે બોટાદના આંગણે આગઉ ક્યારેય ન જોયો હોય તેવો અનેરો અવસર આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આજે આપણા ગુજરાતમાં અનેક ઉદ્યોગો મૂડીરોકાણ કરી રહ્યા છે. વિશ્વગુરુ બનવાની આ સફરમાં વિશ્વના દેશોના ઉદ્યોગપતિઓ ભારત પર વિશ્વાસ મૂકી રહ્યા છે. દુનિયાનો અભિગમ ભારત પ્રત્યે સકારાત્મક રીતે બદલાયો છે. દેશનો વિકાસ નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટીથી આગળ વધાર્યો જ્યારે રાજ્યના વિકાસની જવાબદારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે વહન કરી રહ્યા છે. વડાપ્રધાનએ સર્વ સમાવેશક વિકાસની વિભાવનાને ચરિતાર્થ કરી છે. સ્થાનિક ઉદ્યોગો પણ જિલ્લાઓના વિકાસ માટે પૂરતો સહકાર આપી રહ્યા છે. અને આ સર્વાંગી વિકાસને છેવાડાના માનવી સુધી પોહચાડવા માટે “વાઈબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.” આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.