Site icon Revoi.in

માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

Social Share

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષની વયે નિધન થયું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. તેમજ તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજના તમામ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે. જેમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

માધવસિંહ સોલંકીનું નિધન થતા કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી હાલ વિદેશમાં છે પરંતુ પિતના નિધનના સમાચાર સાંભળીને આઘાતમાં સરી રહ્યાં હતા. તેઓ તાત્કાલિક ગુજરાત આવવા રવાના થયા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમજ 1881માં ફરી એકવાર ગુજરાતની સત્તા સંભાળી હતી. તેમણે સામાજિક અને આર્થિક રૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી હતી. વર્ષ 1985માં તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું, જો કે, ફરી તેઓએ વિધાનસભાની 182 બેઠકોમાંથી 149 બેઠક જીતી સત્તા સંભાળી હતી.આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી.

Exit mobile version