Site icon Revoi.in

ભાવનગરમાં પેટ્રોલ પંપમાં આગ લાગતા લોકો પોતાના વાહનો મુકીને ભાગ્યા

Social Share

ભાવનગર: શહેરના ભરચક ગણાતા ભીડભંજન ચોક નજીક અને જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા પેટ્રોલ પંપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, અચાનક આગ લાગતાં પંપ પર પેટ્રોલ પુરાવવા આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભાવનગરમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા સત્ય નારાયણ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરવાનુ કામ ચાલુ હતું તે દરમિયાન પેટ્રોલ પંપના વચ્ચેના પંપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જોકે આગ શા કારણે લાગી એવી ચોક્કસ માહિતી નથી મળી પરંતુ શોક સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે દિવસનો સમય હોય પેટ્રોલ પંપ ચાલુ હતો ત્યારે વચ્ચેના પંપમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. આગ લાગતાં પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે આવેલા લોકો પોતાના વાહનો મૂકીને ભાગ્યા હતા, ત્યારે થોડીવાર માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પેટ્રોલ પંપ પર અચાનક આગ ભભૂકતા થોડીવાર માટે નાસભાગ મચી હતી પરંતુ લોકો ત્વરિત સાવચેતી વાપરી સ્થળ પરથી દૂર ખસી ગયા હતા જેથી કોઈ પણ જાતની જાનહાનિ થવા પામી નહોતી અને તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. પેટ્રોલ પંપ પર આગ લાગવા ની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી જાણ થતાંની સાથે ફાયર વિભાગનો કાફલો તાબડતોબ સ્થળ પર ધસી ગયો હતો. જોકે પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટી ના પૂરતા સાધનો ઉપલબ્ધ હોવાથી સ્ટાફના માણસો એ આગ પર કાબુ મેળવવાની કોશિશ શરૂ કરી દીધી હતી. ત્યારે જ સ્થળ પર ધસી આવેલા ફાયર વિભાગે સળગતા પંપ પર પાવડર નો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.