Site icon Revoi.in

મહારાષ્ટ્રના ડોંબિવલીમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી, છના મોત

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે બપોરે વિસ્ફોટ થયો હતો. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા હતા. સામંતે કહ્યું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટને કારણે નજીકની ઈમારતોની કાચની બારીઓમાં તિરાડો પડી ગઈ હતી અને ઘણા મકાનોને પણ નુકસાન થયું હતું. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ બાદ આગ નજીકની ત્રણ ફેક્ટરીઓમાં પણ ફેલાઈ ગઈ હતી. ધુમાડો અને જ્વાળાઓ દૂર દૂરથી જોઈ શકાતી હતી.

બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આ કેસમાં આઠ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફડણવીસે લખ્યું, ‘NDRF, TDRF અને ફાયર બ્રિગેડની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે.

Exit mobile version