Site icon Revoi.in

ડીસામાં પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને સહાય ન ચુકવાતા મામલતદારને કરી રજુઆત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને સરકાર તરફથી સહાય ન મળતા  આંદોલન કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ન ચૂકવતાં સોમવારે ગૌશાળા અને પાંજરોપાળના સંચાલકો ગાય પર સહાયની માંગનું બેનર લગાવી ડીસા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તેમજ રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવે અને સહાય જલ્દી ચૂકવાય તેવી રજૂઆત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં રખડતા, બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓની સારસંભાળ થાય છે. આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી. પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે. તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે. બીજી તરફ અત્યારે ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં ગૌશાળાઓ માટે પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે. આ મામલે સંચાલકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે કંટાળેલા સંચાલકો સોમવારે એક ગાય પર સહાયની માંગનું બેનર લગાવી ડીસા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ઉપરાંત રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવે અને ગૌશાળા અને પાંજરાપોળને તાત્કાલિક સહાયની રકમ ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. મામલતદારને આવેદનપત્ર આપતાં સંચાલકોએ જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલી સહાય ચુકવવા માટે તાત્કાલિક આયોજન નહીં થાય તો તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા 80 હજાર પશુઓને સરકારી કચેરીમાં સરકાર ભરોસે છોડી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.