Site icon Revoi.in

ગુજરાતમાં પાકિસ્તાન સરહદ પાસેથી શંકાસ્પદ પક્ષી મળ્યું, પગમાં પીઓકેનો ટેગ

Social Share

અમદાવાદઃ કચ્છમાં તાજેતરમાં પાકિસ્તાનથી આવેલુ એક દુર્લભ પક્ષી મળી આવ્યું હતું. જેના પગ ઉપર પાકિસ્તાનનો ટેગ લગાવેલો હતો. દરમિયાન ગુજરાતની સરહદી જિલ્લા પાટણના સાંતલપુરમાંથી પીઓકે ટેગવાળુ પક્ષી મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ટીલોર નામના આ પક્ષીના એક પગમાં પીઓકે લખેલુ ટેગ મારેલું છે. જેથી પોલીસે પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ પક્ષી પાકિસ્તાનથી આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સરહદથી જોડાયેલું છે. પાટણના સાંતલપુરમાં પાકિસ્તાન સરહદ નજીક એક દુર્લભ પક્ષી જોવા મળ્યું હતું. ટીલોર નામના અરબી પક્ષીને સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યાં હતા. સ્થાનિકોએ પક્ષીને પકડીને જોયું તો તેના એક પગ ઉપર પીઓકે લખેલુ ટેગ હતું. આ ટેગ જોઈને સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી. આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી વનવિભાગની ટીમે પક્ષીને સ્થાનિકો પાસેથી લઈને તપાસ શરૂ કરી છે. જો કે, પક્ષીના પગમાં પીઓકે લખેલા ટેગથી અનેક સવાલો ઉભા થયાં છે. આ પક્ષીનો જાસુસી માટે ઉપયોગ કરવામાં આવતો હતો કે કેમ તેવા પણ સવાલો ઉભા થયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ તંગ છે. બીજી તરફ પાકિસ્તાનની જાસુસી સંસ્થા માટે કામ કરતા કેટલાક એજન્ટની પણ તાજેતરમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ પક્ષી પણ જાસુસી માટેનું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાય રહ્યું છે.