Site icon Revoi.in

સુરતના તાપી કિનારે મહાભારત કાળનો ત્રણ પાનનો વડ અસ્તિત્વ ધરાવે છે…

Social Share

અમદાવાદઃ સુર્યપુત્રી તાપી નદીના કિનારે પાંચ હજાર વર્ષ પહેલાના દ્વાપર યુગનું ત્રણ પાનના વડનું નાનકડું ઝાડ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળ પર માત્ર દોઢ ફૂટના આ ત્રણ પાનના વડનું ઉગવું એ તાપી નદીનું મહાત્મ્ય દશવિ છે. આ ત્રણ પાનના વડ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો ત્યારે તેની અંતિમવિધિ અશ્વિનીકુમાર ખાતે કરવામાં આવી હતી. તેમની સ્મૃત્તિના પ્રતિકરૂપે આ ત્રણ પાનનો વડ ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી ઉગ્યો હતો.

આ વડને ચોથું પાન આવે એટલે તરત જ એક પાન ખરી જાય છે. આમ, વડના પાનની સંખ્યા ત્રણ જ રહે છે. અશ્વિની અને કુમાર બંને કર્ણના ભાઈ અને તાપી કર્ણની બહેન છે. અશ્વિની અને કુમારે આ ભૂમિ પર તપ કર્યું હતું. એટલે તાપી કાંઠાનો આ વિસ્તાર અશ્વિનીકુમાર તરીકે ઓળખાય છે.

સૂર્યપુત્ર કર્ણની અંતિમવિધિ અશ્વિનીકુમાર સ્થિત તાપી કિનારે આ જ સ્થળે કરવામાં આવી હતી. આ સમયે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ‘આપણને ખબર છે કે અહીં કર્ણની અંતિમ ક્રિયા થઈ, પરંતુ આવનાર યુગને આ વાતની ખબર કેવી રીતે પડશે?’ ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે, ‘અહીં ત્રણ પાનનો વડ ઉગશે. જેના ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે.’ તાપી પુરાણમાં પણ આ બાબતોનો ઉલ્લેખ છે. આજે પણ ત્રણ પાનનો વડ અહીં ઊભેલો છે, જેને દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે.