Site icon Revoi.in

સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, પીડિતાએ પિતા ઉપર કર્યો ગંભીર આક્ષેપ

Social Share

અમદાવાદ, 28 માર્ચ 2026: શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી નિલકમલ સોસાયટી પાસે ધોળેદહાડે એક યુવતી પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ હુમલા પાછળ કૌટુંબિક વિખવાદ અને પ્રેમલગ્નની અદાવત જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે.

ઘટનાની વિગત એવી છે કે યુવતી જ્યારે સોસાયટીની બહાર ઉભી હતી, ત્યારે એક અજાણ્યા શખ્સે અચાનક આવી તેના પર એસિડ ફેંક્યો હતો. યુવતીની ચીસાચીસ સાંભળી સ્થાનિક રહીશો તુરંત દોડી આવ્યા હતા. લોકોએ ગભરાયા વગર સમયસૂચકતા દાખવી યુવતી પર ઠંડુ પાણી છાંટી એસિડની અસર ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ ભેગી કરી હતી.

મળતી માહિતી મુજબ, પીડિતા છેલ્લા ૧૩ વર્ષથી તેની માતા અને બહેનો સાથે પિતાથી અલગ રહે છે. યુવતીએ વર્ષ ૨૦૨૩માં પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા, જેનાથી તેના પિતા અત્યંત નારાજ હતા. પીડિતાનો ગંભીર આક્ષેપ છે કે, પિતા સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હોવાથી અને પ્રેમલગ્નનો ખાર રાખીને પિતા અથવા તેમના માણસોએ જ આ હીન કૃત્ય કરાવ્યું છે.

સરદારનગર પોલીસે યુવતીના પિયર પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી હુમલો કરનાર શખ્સ અને તેના મૂળ સુધી પહોંચી શકાય. હાલમાં યુવતીની સ્થિતિ જોતા પોલીસે હોસ્પિટલ ખાતે પણ નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોપીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, જવાબમાં નેપાળના નવા વડાપ્રધાને શું કહ્યું? જાણો

 

Exit mobile version