Site icon Revoi.in

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો લડતના માર્ગે, CMને લખ્યો પત્ર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નોનો સામનો કરી રહી છે. અગાઉ સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં એનો ઉકેલ આવ્યો નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો, શિક્ષકો અને કર્માચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ પરિણામ ઓછું આવે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો છે. છતાંયે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી. તેથી ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો, શિક્ષકો અને વહીવટી સ્ટાફ આંદોલનના માર્ગે ઊતર્યા છે. એક અઠવાડિયા દરમિયાન ગ્રાન્ટેડ સ્કૂલોના 50,000 જેટલા કર્મચારીઓ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની વ્યથા રજૂ કરશે.

ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના કહેવા મુજબ રાજ્ય સરકાર દ્વારા સંચાલક મંડળ સાથેની બેઠકમાં પડતર પ્રશ્નો લઈને ચર્ચા કરવામાં આવી હતી. પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર દ્વારા ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો નથી. સંગઠનોએ અનેક રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ન મળતાં સંચાલક, શિક્ષક અને વહીવટી સ્ટાફ સહિતના કર્મચારીઓ રોષે ભરાયા છે. સરકાર સામે આંદોલન કરવાનો નિર્ણય કર્યો હતો, જે મુજબ આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ જે-તે જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોએ કાળી પટ્ટી બાંધીને લડતનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ ધારાસભ્ય અને સાંસદસભ્યોને પણ રજૂઆત કરી હતી છતાં સરકારના પેટનું પાણી ન હલતાં હવે 6300 સ્કૂલના 50,000થી વધુ કર્મચારીઓ મુખ્યમંત્રીને પત્ર લખીને વ્યથા ઠાલવશે.

આ અંગે શાળા સંચાલક મંડળના અગ્રણીએ  જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં રાજ્યભરમાં શિક્ષક, આચાર્ય અને વહીવટી સ્ટાફ સહિત 35,000 કર્મચારીની જગ્યા ખાલી છે. આ ઉપરાંત અન્ય નાના-મોટા પ્રશ્નો છે, જે અંગે અમે અગાઉ બેઠક કરી ત્યારે મૌખિક સહમતી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં હવે સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે.