- ભોજશાલા મુક્ત થયા બાદ પૂજા કરવા પહોંચ્યા સીએમ મોહન યાદવ; 140 કરોડ દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ
ધાર (મધ્ય પ્રદેશ), 25 મે, 2026: – ભોજશાલા મુક્ત થયા બાદ આજે સોમવારે પ્રથમ વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ મા વાગ્દેવીની પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને માતાજીનું પ્રતીક ચિહ્ન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. 721 વર્ષના લાંબા સમયગાળા પછી સકળ હિન્દુ સમાજ દ્વારા માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો છે.
ભોજશાલા મુક્ત થયાના 721 વર્ષ બાદ કોઈ મુખ્યમંત્રી આ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. સોમવારે સકળ હિન્દુ સમાજે મા વાગ્દેવીને છપ્પન ભોગ અર્પણ કર્યો હતો. આ ખાસ પ્રસંગે ભોજશાલા મંદિરના પૂજારીઓએ મુખ્યમંત્રીને મા વાગ્દેવીનું પ્રતીક ચિહ્ન પણ ભેટ કર્યું હતું. મુખ્યમંત્રીએ સરસ્વતી વંદના કર્યા બાદ જણાવ્યું હતું કે, તેઓ મા વાગ્દેવીની અસલી પ્રતિમા પરત લાવવા માટે તમામ સંભવ પ્રયાસો કરશે. સીએમ મોહન યાદવે ઉમેર્યું કે, કોર્ટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ભોજશાલા અંગેના આ ઐતિહાસિક નિર્ણયથી સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. આ સાથે જ તેમણે ધાર વિસ્તારને રાજ્યનું સર્વશ્રેષ્ઠ ટુરિઝમ સ્પોટ (પર્યટન સ્થળ) બનાવવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ ભોજશાળામાં સનાતન સૂર્યોદય, પૂજા-અર્ચના શરૂઃ 1000 વર્ષની પીડાનો અંત
મા વાગ્દેવીની અસલી પ્રતિમા હાલમાં લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે. મુખ્યમંત્રી મોહન યાદવે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રતિમાને ભારત પરત લાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે.
ધાર્મિક પર્યટન કોરિડોર બનાવવાની માંગ
હાઈકોર્ટના ચુકાદા બાદ ભોજશાલાને હવે સંપૂર્ણપણે હિન્દુ મંદિર જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીં હવે નમાજ પઢવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે અને દરરોજ નિયમિત પૂજા થઈ રહી છે. હિન્દુ સંગઠનોની માંગ છે કે, ભોજશાલા કાયદાકીય રીતે હિન્દુ મંદિર બની ચૂક્યું હોવાથી હવે તેના વિકાસનું કાર્ય વેગવંતું બનવું જોઈએ. અહીં ‘સરસ્વતી લોક’નું નિર્માણ થવું જોઈએ.
હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ દ્વારા ભોજશાલામાં સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને ધાર્મિક પર્યટન કોરિડોર બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. ભોજશાલાને અયોધ્યાના મોડેલ પર ભવ્ય અને દિવ્ય સ્વરૂપ આપીને પ્રસ્તુત કરવાની માંગ વેગ પકડી રહી છે. ભોજશાલાને મંદિર જાહેર કરાયા બાદ પણ હિન્દુ સમાજની આવી કેટલીક માંગણીઓ છે, જેને વહેલી તકે પૂરી કરવા રજૂઆતો થઈ રહી છે.
મુખ્યમંત્રીની પૂજાથી લોકોમાં ભારે ઉત્સાહ
લગભગ સાડા સાતસો વર્ષના સંઘર્ષ પછી ભોજશાલામાં ફરી એકવાર સનાતનની વિજય પતાકા લહેરાઈ રહી છે. મોહન યાદવ ઇતિહાસના એવા પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે, જેમણે ભોજશાલા પરિસરમાં જઈને પૂજા કરી છે. મુખ્યમંત્રીના ભોજશાલા આગમન અને પૂજા અર્ચનાથી હિન્દુ સમાજના લોકોમાં ભારે ખુશીનો માહોલ છે.
આ પણ વાંચોઃ ગુજરાતના માર્ગોની ગ્રીન ટેક્નોલોજીથી કાયાપલટ, 20 માર્ગો પર કામગીરી શરૂ કરવામાં આવશે
કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ હવે હિન્દુઓને સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી દરરોજ નિયમિત પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે. અગાઉ માત્ર મંગળવાર અને વસંત પંચમીના દિવસે જ પૂજા કરવાની મંજૂરી હતી. પહેલા દર શુક્રવારે (જુમે) મુસ્લિમ સમુદાયના લોકો અહીં નમાજ પઢતા હતા, પરંતુ હવે ભોજશાલા પરિસરમાં કોઈપણ દિવસે નમાજ પઢવાની મંજૂરી નથી. હવે દરરોજ ભોજશાલામાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-પાઠ કરવામાં આવી રહ્યા છે.

