1. Home
  2. ગુજરાતી
  3. ભોજશાળા વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સંકુલને હિન્દુ મંદિર જાહેર કર્યું, પૂજાનો અધિકાર આપ્યો
ભોજશાળા વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સંકુલને હિન્દુ મંદિર જાહેર કર્યું, પૂજાનો અધિકાર આપ્યો

ભોજશાળા વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સંકુલને હિન્દુ મંદિર જાહેર કર્યું, પૂજાનો અધિકાર આપ્યો

0
Social Share

ભોપાલ, 15 મે 2026: મધ્ય પ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાળા અંગે ઇન્દોર હાઈકોર્ટની ખંડપીઠે શુક્રવારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ભોજશાળાને ‘હિન્દુ મંદિર’ ગણાવીને ત્યાં હિન્દુ પક્ષને પૂજા-અર્ચના કરવાનો પૂર્ણ અધિકાર આપ્યો છે. અદાલતે તેના અવલોકનમાં નોંધ્યું છે કે, આ સ્થળ પર હિન્દુ પૂજા-અર્ચનાની નિરંતરતા ક્યારેય સમાપ્ત થઈ નથી અને ઐતિહાસિક સાહિત્ય પુષ્ટિ કરે છે કે આ સંકુલ પરમાર વંશના રાજા ભોજ દ્વારા સ્થાપિત સંસ્કૃત શિક્ષણનું કેન્દ્ર હતું.

  • એએસઆઈ દ્વારા વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવ્યો હતો

ચુકાદો આપતા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) એ વિજ્ઞાન છે અને એજન્સીના નિષ્કર્ષ પર વિશ્વાસ કરી શકાય છે. અદાલતે જણાવ્યું હતું કે, અયોધ્યા કેસમાં સ્થાપિત મિસાલ અને પુરાતત્વના પુરાવાઓને આધારે બંધારણની કલમ 25 અને 26 હેઠળના મૌલિક અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું છે. મુસ્લિમ પક્ષ માટે કોર્ટે કહ્યું કે તેઓ મસ્જિદની જમીન માટે અલગથી અરજી કરી શકે છે. હાઈકોર્ટના આદેશ પર 22 માર્ચ 2024 થી જૂન 2024 ના અંત સુધી, એટલે કે 98 દિવસ સુધી એએસઆઈ દ્વારા વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવ્યો હતો. ASI એ 15 જુલાઈ 2024 ના રોજ સોંપેલા 2,000 પાનાના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્તમાન માળખાનું નિર્માણ પહેલાથી અસ્તિત્વમાં રહેલા મંદિરના અવશેષો અને સ્તંભોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. સર્વે દરમિયાન અહીંથી પરમાર કાળની મૂર્તિઓ, નકશીકામ કરેલા પથ્થરો અને અનેક શિલાલેખો મળી આવ્યા છે.

આજે શુક્રવાર હોવાથી અને ચુકાદો આવવાનો હોવાથી ધારમાં સુરક્ષાનો અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 1000 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. ચુકાદો આવ્યો તે સમયે જ મુસ્લિમ સમુદાય દ્વારા ભોજશાળામાં શાંતિપૂર્ણ રીતે શુક્રવારની નમાઝ અદા કરવામાં આવી હતી. હિન્દુ પક્ષનો દાવો હતો કે આ 11મી સદીમાં રાજા ભોજ દ્વારા નિર્મિત સરસ્વતી મંદિર છે અને ત્યાં મુસ્લિમ પ્રવૃત્તિઓ બંધ કરી નિયમિત પૂજાનો અધિકાર મળવો જોઈએ. બીજી તરફ મુસ્લિમ પક્ષ તેને વર્ષો જૂની કમલ મૌલા મસ્જિદ ગણાવતા હતા અને એએસઆઈના રિપોર્ટને પક્ષપાતી ગણાવ્યો હતો. તેમજ જૈન સમાજે પણ આમાં દરમિયાનગીરી કરીને દાવો કર્યો હતો કે આ મૂળરૂપે જૈન ગુરુકુળ હતું અને ત્યાં મળેલી વાગ્દેવીની પ્રતિમા વાસ્તવમાં જૈન યક્ષિણી અંબિકા છે.

આ પણ વાંચોઃ શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, 70 લાખની સોપારી અપાઈ હતી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code