ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : Divyang Bus Pass’ with DigiLocker સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે સ્ટેટ ઈ-ગવર્નન્સ મિશન ટીમ (SeMT), ગુજરાતનાં સહયોગથી દિવ્યાગ બસ પાસ ડિજિલોકર સાથે જોડી દીધા છે. ગુજરાત સરકારની આ નાગરિક-કેન્દ્રિત ડિજિટલ ગવર્નન્સ પહેલની રાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાઇ છે.
રાજ્યમાં તમામ દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવાનાં આ નવતર પ્રયોગ બદલ ભારત સરકાર દ્વારા ગુજરાતને ‘એક્સેલન્સ ઇન સિટિઝન-સેન્ટ્રિક ડિજિટલ ગવર્વન્સ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગ વ્યકિતઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ સંચાલિત બસોમાં મફત મુસાફરી કરવા માટે ‘દિવ્યાંગ બસ પાસ’ આપવામાં આવે છે. આ પાસને હવે ડિજિલોકર સાથે જોડી દેવામાં આવ્યા છે. એટલે કે, હવે દિવ્યાંગ વ્યક્તિએ ફિજિકલ પાસ સાથે રાખવાની જરૂરી નથી. બસમાં મુસાફરી કરતી વખતે, બસ કંડક્ટરને પોતાના મોબાઇલ દ્વારા ડિજિલોકરમાં રહેલો પાસ બતાવીને મુસાફરી કરી શકે છે.
ગુજરાત સરકારની આ પહેલ, ટેકનોલોજી દ્વારા શાસનને વધુ સરળ, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરે છે. ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ, સરકારે સતત પેપરલેસ ગવર્નન્સ અને જાહેર સેવાઓના ડિજિટલ વિતરણને પ્રોત્સાહન આપ્યું છે, જેથી નાગરિકો ગમે ત્યારે અને ગમે ત્યાં તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવી શકે.
“સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઇશ્યૂ કરવામાં આવતા ‘દિવ્યાંગ બસ પાસ’ યોગ્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે અધિકૃત દિવ્યાંગતા ઓળખપત્ર તરીકે કામ કરે છે. વિભાગે તમામ પાસને ડિજિલોકર સાથે જોડી દીધા છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 4.42 લાખથી વધુ પાસ ઇશ્યૂ કર્યા છે. લાભાર્થીઓ આ ડિજિલોકરમાં રહેલા પાસને બતાવી GSRTC સંચાલિત બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે,’’ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું.


