ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : Saputara Monsoon Festival Begins ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-૨૦૨૬’ નો આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન પ્રકૃતિ, સંસ્કૃતિ, રોમાંચક આઉટડોટ સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકલાના વૈવિધ્યસભર સાથે સ્થાનિક વ્યંજનો અને નેચર ટ્રેઇલ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવવામાં આવશે.
ફેસ્ટિવલ દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમો, ક્રાફ્ટ અને આદિવાસી કલા વર્કશોપ, નેચર ટ્રેઇલ, સાહસિક પ્રવૃત્તિઓ, સ્થાનિક વ્યંજનો, રેઇન ડાન્સ, સેલ્ફી પોઈન્ટ સહિત પરિવારના દરેક સભ્ય માટે મનોરંજન અને અનુભવ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાપુતારા માત્ર ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન જ નહીં, પરંતુ ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી વૈવિધ્યતા અને હરિયાળી ઓળખનું પ્રતિક છે. ચોમાસામાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અનેકગણું ખીલી ઊઠે છે અને દેશભરના પ્રવાસીઓને આકર્ષે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે પ્રવાસન ક્ષેત્રને વિકાસનું મહત્વપૂર્ણ એન્જિન બનાવી રહી છે.
તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫ના સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન અંદાજે ૨.૬૧ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગત વર્ષે ૧.૪૩ લાખથી વધુ પ્રવાસીઓએ બોટિંગનો આનંદ માણ્યો હતો, જ્યારે અંદાજે ૨૯૦ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના વેચાણથી આશરે રૂ. ૧.૫૭ કરોડની આવક થઈ હતી, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને કારીગરોને નોંધપાત્ર આર્થિક લાભ મળ્યો હતો.
ગુજરાત સરકાર સાપુતારાને વિશ્વસ્તરીય મોન્સૂન અને ઇકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સુવિધાઓ, સૌંદર્યકરણ, વે-સાઇનેજ અને અનુભવ આધારિત વિકાસના વિવિધ કાર્યો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમણે ડાંગના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ, પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓમાં થયેલા વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.


