HomeAgency Newsટાટા ઈન્સ્ટિટ્યૂટ કેસમાં બે આરોપીના જામીન નકારતાં કોર્ટની ટિપ્પણીઃ વિદ્યાર્થી છો કે...

ટાટા ઈન્સ્ટિટ્યૂટ કેસમાં બે આરોપીના જામીન નકારતાં કોર્ટની ટિપ્પણીઃ વિદ્યાર્થી છો કે માઓવાદી સમર્થક?

મુંબઈ, 8 ઓગસ્ટ, 2026 – ટાટા ઈન્સ્ટિટ્યૂટ કેસમાં બે આરોપીના જામીન નકારતાં કોર્ટ આકરી ટિપ્પણી હતી. કોર્ટે વેધક પ્રશ્ન કર્યો હતો કે વિદ્યાર્થી છો કે માઓવાદી સમર્થક?

મુંબઈની સેસન્સ કોર્ટે ગઈકાલે 7 ઓગસ્ટે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં જી. એન. સાઈબાબાને શ્રદ્ધાંજલિ આપવા અને યુએપીએ (UAPA) કેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલા શરજીલ ઈમામ તથા ઉમર ખાલીદને મુક્ત કરવાના નારા લગાવવા બદલ એક વિદ્યાર્થીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. એડિશનલ સેસન્સ જજ વી. બી. બોહરાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે શરજીલ ઈમામ અને ઉમર ખાલીદના જામીન નાંજૂર કર્યા છે, તેથી વિદ્યાર્થીઓએ દેશના કાયદાનું સન્માન કરવું જોઈએ.

માઓવાદી અને આતંકવાદી સમર્થકોને જામીન ન મળ્યા

ઓક્ટોબર 2025માં માઓવાદી નેતા સાઈબાબાના સમર્થન આપવા યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા, તેમની કવિતાઓ વાંચવા અને શરજીલ તથા ઉમરને મુક્ત કરવાના નારા લગાવવા બદલ મુંબઈ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર (FIR)માં આરોપી અભિરૂપ પોલ (32)ને કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. જોકે, કોર્ટે નિકિતા ડિસોઝા નામના અન્ય એક વિદ્યાર્થીને આગોતરા જામીન મંજૂર કર્યા હતા. વિદ્યાર્થીઓ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે માઓવાદી સાઈબાબાને UAPA કેસમાંથી દોષમુક્ત કરવામાં આવ્યા હતા અને માત્ર “શરજીલ કો રિહા કરો, ઉમર કો રિહા કરો” ના નારા લગાવવાથી કોઈ ગુનો બનતો નથી.

દેશ વિરોધીઓનું સમર્થન ચલાવી ન લેવાય

જોકે, જજે અવલોકન કર્યું હતું કે, “તેમાં કોઈ શંકા નથી કે માઓવાદી જી. એન. સાઈબાબા તેમના પર લાગેલા આરોપોમાંથી દોષમુક્ત થયા હતા, તેથી તેમને શ્રદ્ધાંજલિ આપવાના આરોપીઓના કૃત્યને ગેરકાયદે કહી શકાય નહીં. પરંતુ આરોપીઓનું કૃત્ય માત્ર શ્રદ્ધાંજલિ આપવા પૂરતું સીમિત ન હતું. તેમણે UAPA એટલે કે દેશ વિરોધી ગેરકાયદે પ્રવૃત્તિઓના આરોપ હેઠળ ટ્રાયલનો સામનો કરી રહેલા ઉમર ખાલીદ અને શરજીલ ઈમામને જેલમાંથી મુક્ત કરવા અંગેના નારા પણ લગાવ્યા હતા. આવા નારા લગાવવા માટે આ યોગ્ય મંચ ન હતો. બીજા શબ્દોમાં કહીએ તો, આવા નારા કોઈ જાહેર વિરોધ પ્રદર્શન કે સરઘસમાં લગાવવામાં આવ્યા ન હતા. સર્વોચ્ચ અદાલતે ઉમર ખાલીદ અને શરજીલ ઈમામની જામીન અરજીઓ ફગાવી દીધી છે. વિદ્યાર્થી હોવાના નાતે આરોપીઓ દેશના કાયદાનું સન્માન કરે તેવી અપેક્ષા હતી.”

સાઈબાબા પ્રતિબંધિત માઓવાદી સંગઠનનો સભ્ય હતો

સાઈબાબા અંગે કોર્ટે તેમની સામેના આરોપોની ગંભીરતા નોંધતા ખાસ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) ની પાંખ ‘રેવોલ્યુશનરી ડેમોક્રેટિક ફ્રન્ટ’ (RDF) ના સક્રિય સભ્ય હોવાના આરોપો હતા. માઓવાદી સાઈબાબા શારીરિક રીતે વિકલાંગ હોવા છતાં તેમને 10 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હોવાની વિદ્યાર્થીઓની રજૂઆત અંગે ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “આરોપીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો સૂર દર્શાવે છે કે તેઓ ફોજદારી અદાલત દ્વારા અપનાવવામાં આવતી પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે અથવા દોષારોપણ કરી રહ્યા છે. ફોજદારી ટ્રાયલ પૂર્ણ કરવા માટે ચોક્કસ પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે. વસ્તી અને ન્યાયાધીશોના ગુણોત્તર (Judge ratio) સહિતના વિવિધ કારણો ઉપરાંત, અદાલતોમાં કેસોની ભારે પેન્ડન્સી પણ ટ્રાયલમાં વિલંબનું એક કારણ છે.”

આરોપી વિદ્યાર્થીઓનો આ હતો ગંભીર અપરાધ

વધુમાં, સાઈબાબાને શ્રદ્ધાંજલિ આપતી વખતે વિદ્યાર્થીઓએ “રેસ્ટ ઈન પાવર (1967 ટૂ ફોરેવર)” જેવા નારા લગાવ્યા તે સામે કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો. જજે વ્યક્ત કર્યું હતું કે સામાન્ય રીતે કોઈ મૃત વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપતી વખતે “રેસ્ટ ઈન પીસ” (શાંતિ) કહેવામાં આવે છે. “સામાન્ય રીતે મૃત વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપતી વખતે ‘રેસ્ટ ઈન પીસ’ શબ્દો બોલવામાં કે લખવામાં આવે છે. પરંતુ, આરોપીઓએ કથિત રીતે ‘રેસ્ટ ઈન પાવર (1967- ફોરેવર)’ શબ્દોનો ઉપયોગ કર્યો છે. કોલેજ કે સંસ્થાના પરિસરમાં અને તેની વહીવટી મંજૂરી વિના આવું કરીને આરોપીઓએ ભલે કોઈ ફોજદારી ગુનો ન કર્યો હોય, પરંતુ આ કૃત્ય અને આરોપી અભિરૂપ તથા કામાખ્યા પાસેથી મળેલી સામગ્રી તેમના વર્તન પર ચોક્કસપણે શંકા ઊભી કરે છે, જે કથિત ગુનામાં તેમની સંડોવણી તરફ ઈશારો કરે છે,” તેમ જજે જણાવ્યું હતું.

તપાસ પક્ષનો પક્ષ નોંધતા જજે જણાવ્યું હતું કે અભિરૂપ અને કામાખ્યાના ફોન/લેપટોપમાંથી સીપીઆઈ (માઓવાદી) ના લેખકો દ્વારા લખાયેલા કેટલાક પુસ્તકો ડાઉનલોડ થયેલા મળી આવ્યા હતા. આ પુસ્તકો ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ન હોવા છતાં, તે “દેશના વિભાજન” અંગેની વાત કરતા હતા. “માઓવાદી સંગઠન દ્વારા પ્રકાશિત પુસ્તકો માત્ર ડાઉનલોડ કરવાથી ગુનો બનતો નથી. જોકે, વર્તમાન કેસમાં તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે અરજદારોએ માત્ર પુસ્તકો ડાઉનલોડ જ નથી કર્યા પરંતુ ફીલ્ડ વર્કના ભાગરૂપે વિવિધ સ્થળોની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત, પુસ્તકો પ્રતિબંધિત ન હોવા છતાં ભારત વિરોધી ઉશ્કેરણી કરનારા હોવાનું કહેવાય છે. આ પૃષ્ઠભૂમિમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા જેમના જામીન નાંજૂર કરવામાં આવ્યા છે તેવા UAPA ના આરોપીઓને છોડાવવાના નારા લગાવવા પાછળનો હેતુ અને આ પુસ્તકો ડાઉનલોડ કરવા પાછળનો તેમનો ઈરાદો જાણવા માટે આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ (કસ્ટડીમાં રાખીને પૂછપરછ) ખૂબ જ જરૂરી અને યોગ્ય છે,” તેવું જજ બોહરાએ અવલોકન કર્યું હતું.

આમ, ભારત દેશના હિત વિરુદ્ધ કામ કરતા પ્રતિબંધિત સંગઠન સાથે કોઈ સંબંધ છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે અરજદારોની કસ્ટોડિયલ પૂછપરછ કરવી અત્યંત આવશ્યક હોવાનું ઠેરવીને કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments