સોશિયલ મીડિયા પર જ્ઞાન વહેંચાતું રહ્યું ને અમિત શાહે ઘૂસણખોરીની દુકાન પર તાળું મારી દીધું
- હવે નકલી જન્મ પ્રમાણપત્રથી વોટ બેંક બનાવવી અશક્ય
હેમંત પરમાર દ્વારા
દેશમાં એક તરફ સોશિયલ મીડિયાના શૂરવીરો પોતપોતાના સ્માર્ટફોન પર જ્ઞાન પીરસવામાં અને ચર્ચાઓના વંટોળ સર્જવામાં વ્યસ્ત રહ્યા, તો બીજી તરફ દેશના ગૃહ મંત્રી અમિત શાહે ચુપચાપ એવું કામ કરી બતાવ્યું જેનાથી ઘૂસણખોરો અને તેમની ફેવર કરતી પોલિટિકલ વોટ બેંક ફેક્ટરીઓ એકસાથે સન્નાટામાં આવી ગઈ છે. સંસદના બંને ગૃહોમાંથી “જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર સંશોધન વિધેયક ૨૦૨૬” સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. આ વિધેયકને ૩૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ લોકસભાએ અને ત્યારબાદ ૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાજ્યસભાએ મંજૂરી આપી દીધી છે.
તર્કો અને કુતર્કોના રાજકારણ વચ્ચે આ કાયદો ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવનારાઓ માટે એવો સર્જિકલ સ્ટ્રાઈક સાબિત થવાનો છે, જેની તેમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય.
એક સમયે ચપટી લાંચ આપો અને ભારતીય નાગરિક બની જતા
અત્યાર સુધી દેશમાં એક અનોખો ખેલ ચાલતો હતો. સીમા પારથી કોઈ ઘૂસણખોર ભારતમાં પગ મૂકે, એટલે સૌથી પહેલું કામ સ્થાનિક સરપંચ, તલાટી કે નગરસેવકને ખાનગી ચાર્જ કે લાંચ આપીને જૂની તારીખનું જન્મ પ્રમાણપત્ર બનાવી લેવાનું રહેતું. બસ, એક વાર હાથમાં જન્મ પ્રમાણપત્ર આવી ગયું એટલે ખેલ ખતમ.
ત્યારબાદ તે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ પણ સડસડાટ બનાવી લેતો. પરિણામે, કાલ સુધીનો ઘૂસણખોર રાતોરાત આ દેશનો માનવંતો નાગરિક બની જતો અને તમામ સરકારી યોજનાઓનો મફત લાભ લેવા લાગતો. કાગળો આટલા પાકા અને કાયદેસરના હોય એટલે પછી કાનૂનની તાકાત નહોતી કે તે ઘૂસણખોરને ઓળખીને દેશની બહાર ફેંકી શકે. એટલું જ નહીં, વિવિધ રાજકીય પક્ષો માટે પણ તેઓ એક તૈયાર વોટ બેંક બની જતા.
નવા કાયદામાં નકલી દસ્તાવેજ ફેક્ટરી પર કાયમી બુલડોઝર
પરંતુ, હવે ગૃહ મંત્રી અમિત શાહે આ સમગ્ર ગેરકાયદેસર સિસ્ટમ પર એવો માસ્ટરસ્ટ્રોક માર્યો છે કે હવે નકલી દસ્તાવેજો બનાવવું અશક્યની હદ સુધી અઘરું બની જશે. સંસદમાંથી પસાર થયેલા “જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર સંશોધન વિધેયક ૨૦૨૬” માં કરવામાં આવેલી કડક જોગવાઈઓ કંઈક આવી છે.
જન્મના ૨૧ દિવસથી ૧ વર્ષ સુધીમાં જન્મ પ્રમાણપત્ર નગરપાલિકા કે બ્લોક ઓફિસ વગેરેમાંથી સરળતાથી બની જશે.
૧ વર્ષથી વધુ પરંતુ ૨ વર્ષથી ઓછો સમયના કિસ્સામાં આશા વર્કર, સરપંચ કે કોર્પોરેટરની સાથે-સાથે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પરવાનગી પણ ફરજિયાત લાગશે.
૨ વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો? આ જ સૌથી મહત્વનો અને કડક નિયમ છે. જો જન્મના ૨ વર્ષ પછી પ્રમાણપત્ર બનાવવું હશે તો હવે કોઈ સરપંચ, એમએલએ કે ડીએમના આદેશથી કામ નહીં ચાલે. આ માટે પૂરતા યોગ્ય દસ્તાવેજો રજૂ કરીને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી જ પડશે.
રાજકારણીઓ અને અધિકારીઓની ગેરકાયદે સત્તાનો અંત
અત્યાર સુધી જૂનું જન્મ પ્રમાણપત્ર બનાવવામાં સ્થાનિક નેતાઓ, સરપંચો, કોર્પોરેટરો, વિધાયકો, સાંસદો કે BDO, SDO અને DM સુધીનો અપરંપાર દબદબો રહેતો હતો. કેન્દ્ર સરકાર પણ સારી રીતે જાણે છે કે લોકલ નેતાઓ પોતાના રાજકીય કારણોસર કે વોટ બેંક મજબૂત કરવા ગેરકાયદેસર રીતે જૂના જન્મ પ્રમાણપત્ર બનાવડાવી આપતા હતા. સરકારી અધિકારીઓ પણ સ્થાનિક નેતાઓના રાજકીય દબાણ હેઠળ આવીને આંખ આડા કાન કરી લેતા હતા.
હવે આ અધિકાર પ્રશાસનિક અધિકારીઓ અને નેતાઓ પાસેથી આંચકીને સીધો ન્યાયતંત્રને સોંપી દેવામાં આવ્યો છે. હવે અદાલતના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ ખોટા દસ્તાવેજો કે રાજકીય વગ ચલાવવી એ જેલના સળિયા ગણવા સમાન બનશે.
ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી
ટૂંકમાં કહીએ તો, આ સંશોધન પછી ગેરકાયદે ઘૂસણખોરો માટે ભારતની ધરતી પર કાગળો બનાવવાનું ગણિત સાવ ખોરવાઈ ગયું છે. જેવું કામ, તેવું પરિણામ.
જ્યારે નકલી જન્મ પ્રમાણપત્ર જ નહીં બને, તો આધાર કાર્ડ નહીં બને. આધાર નહીં હોય તો વોટર આઈડી, પાસપોર્ટ કે આયુષ્માન કાર્ડ બનવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો.
અને સૌથી ધારદાર તો એ છે કે, જે ઘૂસણખોરો મતાધિકાર જ નહીં મેળવી શકે, તેમને કોઈ પક્ષ પોતાની વોટ બેંક તરીકે કેમ સાચવશે? જે ક્ષણે તેમના વોટ આપવાના દરવાજા બંધ થશે, તે જ ક્ષણે રાજકીય પક્ષો પણ તેમનું સમર્થન કરવાનું બંધ કરી દેશે અને તેમને હાંકી કાઢવામાં જ પોતાની ભલાઈ સમજશે.
આથી, ઘૂસણખોરોના મામલામાં અને દેશની સુરક્ષાની દ્રષ્ટિએ આ કાયદાકીય સંશોધનને એક ઐતિહાસિક માઈલસ્ટોન જ કહેવો પડે.


