કાબુલ , 19 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાનમાં થયેલા એક મોટા ભયાનક આતંકી હુમલા બાદ અફઘાનિસ્તાનના તાલિબાન શાસને ઇસ્લામાબાદને સીધી અને કડક ચેતવણી આપી છે. તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાન આતંકવાદી હુમલાઓનું બહાનું બનાવીને અફઘાનિસ્તાનની સીમામાં ઘૂસીને કોઈ સૈન્ય કાર્યવાહી કરશે, તો અફઘાનિસ્તાન પોતાની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા માટે વળતો પ્રહાર કરશે. તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, જો અફઘાનિસ્તાન પર હુમલો થશે તો તેનો તુરંત અને યોગ્ય જવાબ આપવામાં આવશે.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે ‘અલ અરેબિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના આર્ટિકલ ૫૧નો હવાલો આપીને અફઘાનિસ્તાનની ધરતી પર હુમલો કરશે, તો અફઘાનિસ્તાનને પોતાનો સ્વ-બચાવ કરવાનો પૂરો અધિકાર છે. મુજાહિદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અફઘાનિસ્તાન પોતાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન સહન નહીં કરે. જો પાકિસ્તાન સરહદ પાર કરીને સૈન્ય કાર્યવાહી કરશે, તો તાલિબાન તેને સીધું અફઘાનિસ્તાન પર યુદ્ધ માનીને તેનો જડબાતોડ જવાબ આપશે.
આ ચેતવણી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ વિસ્તારમાં થયેલા એક મોટો આતંકી હુમલા બાદ આવી છે. શુક્રવારે આતંકવાદીઓએ ઓલ્ડ પોલીસ લાઈન્સ પરિસરને નિશાન બનાવ્યું હતું. આ પરિસરમાં ડિસ્ટ્રિક્ટ પોલીસ હેડક્વાર્ટર ઉપરાંત કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ અને સ્પેશિયલ બ્રાન્ચ સહિત અનેક પોલીસ યુનિટના કાર્યાલયો આવેલા છે. તાજેતરના આંકડા મુજબ, આ ભયાનક આત્મઘાતી અને ગોળીબારના હુમલામાં ૧૬ પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
-
TTP મુદ્દે સામસામે આક્ષેપો
પાકિસ્તાન લાંબા સમયથી એવો આરોપ લગાવતું આવ્યું છે કે ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) ના આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં સુરક્ષિત અડ્ડા ધરાવે છે અને ત્યાંથી જ પાકિસ્તાનમાં લોહિયાળ હુમલાનું આયોજન કરે છે. ઇસ્લામાબાદનો દાવો છે કે તાલિબાન સરકાર આ આતંકીઓને રોકવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ, તાલિબાને આ આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ઝબીહુલ્લાહ મુજાહિદે પાકિસ્તાનને સલાહ આપતા કહ્યું કે તેણે પોતાની સુરક્ષા સમસ્યાઓનો ઉકેલ પોતે જ શોધવો જોઈએ. તેમણે ઉમેર્યું કે TTP અને બલોચ સંગઠનોથી જોડાયેલી અશાંતિ તાલિબાન સત્તામાં આવ્યું તે પહેલાંથી જ પાકિસ્તાનમાં અસ્તિત્વ ધરાવે છે.


