નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૨૦મા ‘રોજગાર મેળા’ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં પસંદગી પામેલા ૫૧ હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે નવા પસંદ થયેલા ઉમેદવારોને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ભારતનો યુવા સિંહ જેવા હોંસલા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે અને હવે સરકારનો હિસ્સો બનીને દેશના યુવાનોની આકાંક્ષાઓ પૂરી કરવી એ તમારી પ્રાથમિક જવાબદારી છે.
રોજગાર મેળાનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ ચૂકી છે અને આ ખુશીના દિવસોમાં આજે 51 હજારથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડાવાનો અવસર મળતાં હજારો પરિવારોમાં ડબલ ખુશીનો માહોલ છે. તેમણે ઉમેર્યું કે, “આજે તમે જે સ્થાન પર પહોંચ્યા છો, તેની પાછળ તમારી સખત મહેનત તો છે જ, પરંતુ સાથે સાથે તમારા માતા-પિતા અને પરિવારજનોની વર્ષોની તપસ્યા પણ રહેલી છે.”
નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન આપતાં વડાપ્રધાને જણાવ્યું કે, “હું તમને સૌને અને તમારા પરિવારજનોને જીવનની આ નવી શરૂઆત માટે હાર્દિક શુભકામનાઓ આપું છું. તમે એવા સમયે ભારત સરકાર સાથે જોડાઈ રહ્યા છો, જ્યારે દેશ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાના એક ખૂબ જ મોટા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. આ સંકલ્પને સિદ્ધ કરવામાં તમારા જેવા યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તમારે એવો દરેક નિર્ણય લેવો પડશે જે વિકસિત અને આત્મનિર્ભર ભારતના અભિયાનને મજબૂત કરે.”
-
ભારતીય યુવાશક્તિ પર વિશ્વનો ભરોસો
વડાપ્રધાન મોદીએ ભારતીય યુવાનોના ટેલેન્ટના વખાણ કરતાં કહ્યું કે, આજે આપણા યુવાનોની કુશળતા અને ઇનોવેશન ક્ષમતાએ સમગ્ર વિશ્વનો વિશ્વાસ જીત્યો છે. આજે દુનિયા ભારતની આ યુવાશક્તિ, ઇનોવેટર્સ અને સાહસિકો તરફ મોટી આશાઓ સાથે જોઈ રહી છે. સંબોધન દરમિયાન વડાપ્રધાને કવિતાની પંક્તિઓ ટાંકીને નવનિયુક્ત યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે ભારતનો યુવા આ જ હોંસલા સાથે આગળ વધી રહ્યો છે અને હવે સરકારી સેવામાં રહીને દેશવાસીઓની સેવા કરવી એ સૌની મુખ્ય ફરજ છે.


