નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર 2026: ભયાનક પૂરની વિનાશક અસરોમાંથી ઉગરી રહેલા પાડોશી દેશ નેપાળ માટે ભારતે મદદનો હાથ વધુ લંબાવ્યો છે. ભારતે નેપાળને રાહત સામગ્રીની વધુ એક મોટી ખેપ રવાના કરી છે, જેમાં દવાઓ, ટેન્ટ, સ્લીપિંગ બેગ, હાઇજીન કિટ અને ફોરેન્સિક સાધનોનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાનું વિશેષ વિમાન આ તમામ જીવનજરૂરી સામગ્રી લઈને નેપાળ માટે રવાના થયું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પોસ્ટ શેર કરતા આ અંગેની સત્તાવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ભારતે નેપાળને 11 ટન રાહત સામગ્રીની વધુ એક ખેપ મોકલી છે. નેપાળને પૂરની સ્થિતિમાંથી બહાર લાવવામાં મદદ કરવા માટે રાહત સામગ્રી લઈ જનારું આ ભારતીય વાયુસેનાનું ૯મું વિમાન હતું.”
આ અગાઉ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે મોકલવામાં આવેલી સામગ્રી અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, “નેપાળને 11 ટન રાહત સામગ્રીની વધુ એક ખેપ મોકલવામાં આવી છે. આ સામગ્રીમાં આવશ્યક દવાઓ, ફોરેન્સિક સાધનો, ટેન્ટ, હાઇજીન કિટ, સ્લીપિંગ બેગ અને અન્ય જરૂરી વસ્તુઓ શામેલ છે. નેપાળના પુનઃનિર્માણમાં ભારત સતત મદદરૂપ થવા માટે કટિબદ્ધ છે.”
ભારતે અત્યાર સુધીમાં 140 ટનથી વધુની મદદ મોકલી
ભારત અત્યાર સુધીમાં નેપાળને 140 ટનથી વધુની માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી પૂરી પાડી ચૂક્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે રાહત સામગ્રી ઉપરાંત ભારતે નેપાળમાં બચાવ કામગીરી માટે પોતાના નિષ્ણાતો પણ મોકલ્યા છે. નવી દિલ્હીએ ટનલ અને કાદવમાં ફસાયેલા લોકોને બચાવવા માટેના ખાસ ઉપકરણો, ડીએનએ કિટ અને ફોરેન્સિક સાધનો પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવ્યા હતા. આ ઉપરાંત અસ્થાયી આશ્રયસ્થાનો, ધાબળા, સોલર લેમ્પ અને તબીબી સામગ્રી સતત મોકલવામાં આવી રહી છે.
ભારતીય વાયુસેનાએ નેપાળ સુધી આ રાહત સામગ્રી પહોંચાડવા માટે અત્યાર સુધીમાં 9 વિશિષ્ટ ફ્લાઇટ્સ ઓપરેટ કરી છે. ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તે પૂર બાદ નેપાળના બચાવ, રાહત અને પુનઃનિર્માણના તમામ પ્રયાસોમાં ખભેથી ખભો મિલાવીને સાથ આપવા માટે પ્રતિબદ્ધ છે.


